પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર જળ આંદોલન શરુ થવાના સંકેતો વર્તાયા છે. કરમાવદ તળાવ ભરવાને મામલે ખેડૂતોમાં ફરી એકવાર રોષ ફેલાયો છે. જેને લઈ હવે સ્થાનિક ખેડૂતો જળ આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ હવે લોક્સભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
બનાસકાંઠામાં ખેડૂતોમાં જળ આંદોલન કરવાનો મૂડ જોવા મળી રહ્યો છે. કરમાવદ તળાવ ભરવાને લઈ ખેડૂતોની માંગ વર્તાઈ રહી છે. આ દરમિયાન શનિવારે ખેડૂતોએ જલોત્રામાં બેઠક યોજી હતી. જે બેઠકમાં લોક્સભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ફરીથી જળ આંદોલન કરવાનું ખેડૂતોએ નક્કી કર્યુ હતુ.
બે વર્ષ અગાઉ પણ જળ આંદોલન બનાસકાંઠામાં કરવામાં આવ્યું હતું જેમાં તે વખતે ૧૨૫ જેટલા ગામડાઓના ખેડૂતો અને પશુપાલકો જોડાયા હતા. મહિલાઓની મોટી સંખ્યા પણ જોવા મળી હતી. જે આંદોલન લગભગ અઢી મહિના સુધી ચાલ્યુ હતુ. જેમાં બે વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી. જે રેલીમાં વીસથી પચ્ચીસ હજાર લોકો જોડાયા હતા. જોકે આમ છતાં પણ બે વર્ષ બાદ પણ તળાવ ભરવા અંગે કોઈ નિર્ણય કરવામાં નહીં આવતા આખરે ફરીથી ખેડૂતોમાં રોષ જન્મ્યો છે.