વારાણસીની જિલ્લા અદાલતે જ્ઞાનવાપી પરિસરમાં આવેલ વ્યાસજીના ભોંયરામાં પૂજાની અનુમતિ આપવાનો નિર્ણય આપીને માત્ર ન્યાય જ નથી આપ્યો, પરંતુ એ ભૂલને સુધારવાનું કામ પણ કર્યું, જે ૧૯૯૩માં મુલાયમ સિંહ સરકારે કરી હતી. મુલાયમ સિંહ સરકારે આ ભોંયરામાં પૂજા-પાઠ પર પ્રતિબંધ પૂજાસ્થળ અધિનિયમના અસ્તિત્વમાં આવ્યા છતાં લગાવી દીધો હતો. આ પ્રતિબંધ મનમાન્યો અને ગેરકાયદે તો હતો જ, સાથે જ એક રીતે ૧૯૯૧ના પૂજા સ્થળ અધિનિયમનું શરમજનક ઉલ્લંઘન પણ હતું. આ અધિનિયમ એમ કહે છે કે કોઈ ધામક સ્થળનું ચરિત્ર બદલવામાં નહીં આવે, પરંતુ તત્કાલીન મુલાયમ સિંહ સરકારે વ્યાસજીના ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ લગાવીને આવું જ કામ કર્યું. મુશ્કેલી એ છે કે હિંદુ શ્રદ્ઘાળુઓના પૂજાના અધિકારનું દમન કરનારા આ પ્રતિબંધને હટવામાં ૩૧ વર્ષ થઈ ગયા. વારાણસીની જિલ્લા અદાલતે સાત દિવસની અંદર પૂજાની વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે. આશ્ર્ચર્ય નહીં કે તેને ઉચ્ચતર ન્યાયાલયોમાં પડકારવામાં આવ્યો. જે પણ હોય, કોઈએ એ માનીને ન ચાલવું જોઇએ કે મંદિર પક્ષ માત્ર આટલાથી સંતુષ્ટ થવાનો છે કે તેને જ્ઞાનવાપી પરિસરના ભોંયરામાં પૂજાનો એ અધિકાર મળી ગયો, જે તેની પાસેથી લગભગ ત્રણ દાયકા પહેલાં છીનવાઈ ગયો હતો. કારણ કે હાલમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઇ તરફથી જ્ઞાનવાપી પરિસરમાં કરવામાં આવેલ સર્વેથી એ સાબિત થયું કે ત્યાં મંદિરને તોડીને તેની ઉપર મસ્જિદ ઊભી કરવામાં આવી હતી.
એમ તો એ પહેલેથી જ ઉઘાડું સત્ય હતું કે કથિત જ્ઞાનવાપી મસ્જિદ એક મંદિર પર ઊભી કરેલી ઈમારત છે, પરંતુ એએસઆઇના સર્વેએ તેના અકાટ્ય પુરાવા આપીને સાબિત પણ કરી દીધું. કોઈ તેને નકારી ન શકે, તેમ છતાં એ જોવું દુ:ખદ છે કે મસ્જિદ પક્ષ અને કેટલાય મજહબી અને રાજકીય મુસ્લિમ નેતાઓ એએસઆઇના સર્વે રિપોર્ટને જ નકારી રહ્યા છે! આ તથ્યનો જાણીજોઈને અસ્વીકાર કરવા સિવાય બીજું કશું નથી. મસ્જિદ પક્ષ એવી જ હઠધમતા દેખાડી રહ્યો છે, જેવી તેણે અયોધ્યા મામલે દેખાડી હતી. જ્યારે આ એક સર્વમાન્ય અને અકાટ્ય પુરાવાથી પ્રમાણિત તથ્ય છે કે મુઘલ શાસકો સહિત અન્ય મુસ્લિમ શાસકોએ મંદિરો તોડીને ત્યાં મસ્જિદો ઊભી કરી દીધી, ત્યારે ન્યાય અને નૈતિક્તાનો તકાદો એમ જ કહે છે કે કમ સે કેમ એના પર તો દાવો છોડી જ દેવો જોઇએ, જે હિંંદુઓ માટે બહુ જ મહત્ત્વ ધરાવે છે. મસ્જિદ પક્ષ એક તરફ તો એમ કહે છે કે આજના મુસલમાનોને ઔરંગઝેબ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તેની સાથે જ તે તેનાં દુષ્કૃત્યોનો બચાવ પણ કરે છે. એક મુશ્કેલી એ પણ છે કે મુસ્લિમ નેતાઓ એ હકીક્તથી પણ મોં ફેરવી રહ્યા છે કે તેમના પૂર્વજ હિંદુ જ હતા.