શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિ મહારાજે કહ્યું હતું કે અયોધ્યા પછી જો જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ મંદિરો મુસ્લિમ બિરાદરોએ અમને આપ્યાં તો અમે અન્ય મંદિરો તરફ નજર નહીં કરીએ. આપણે ભૂતકાળમાં નહીં, ભવિષ્યમાં જીવવાનું છે. દેશનું ભવિષ્ય હોવું જોઈએ, ભૂતકાળ નહીં.
ગોવિંદ દેવગિરીએ કહ્યું- હું મુસ્લિમોને હાથ જોડીને અપીલ કરું છું કે જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ હિંદુઓને સોંપવામાં આવે. આ આક્રમણકારો દ્વારા તોડવામાં આવ્યાં હતાં. વિદેશી હુમલામાં 3500 હિંદુ મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો. આ આપણા પરનું સૌથી મોટું કલંક છે. લોકો દુઃખી છે. જો તેઓ આ દુઃખનો અંત લાવે તો ભાઈચારો વધારવામાં મદદ મળશે.
પુણેના આલંદીમાં તેમણે કહ્યું- અમે રામમંદિરનો શાંતિપૂર્ણ ઉકેલ શોધી લીધો છે. હવે જ્યારે આવો યુગ શરૂ થયો છે ત્યારે અમને આશા છે કે અન્ય મુદ્દાઓ પણ શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે. બાકીનાં બે મંદિરના શાંતિપૂર્ણ ઉકેલ માટે મુસ્લિમ સમુદાયના લોકો તૈયાર છે, પરંતુ કેટલાક લોકો એનો વિરોધ કરે છે.
ગોવિંદ દેવગિરિનો 75મો જન્મદિવસ
ગોવિંદ દેવગિરિના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 4થી 11 ફેબ્રુઆરી વચ્ચે પુણેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આરએસએસના વડા મોહન ભાગવત અને શ્રી શ્રી રવિશંકર તેમજ અન્ય આ કાર્યક્રમોમાં ભાગ લેશે.
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા, જ્ઞાનવાપીમાં વ્યાસજીનું ભોંયરું ખૂલ્યું
22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ પછી 31 જાન્યુઆરીએ વારાણસીની એક અદાલતે જ્ઞાનવાપી મસ્જિદના સીલબંધ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી. માત્ર બે દિવસમાં 2.5 લાખ જેટલા ભક્તોએ દર્શન કર્યા છે.
જોકે મુસ્લિમ પક્ષે પૂજા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાના કોર્ટના નિર્ણય સામે અલાહાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી. આ કેસની આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં થશે. ત્યાં સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વ્યાસજીના ભોંયરામાં પૂજા યોજાઈ રહી છે.