ઝાલોદના પેથાપુર પ્રા.શાળાના તુટેલા ઓરડાઓને ખંભાતી તાળા

ઝાલોદ, ઝાલોદ તાલુકાના પેથાપુર ગામમાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં હોઈ જેથી કરી ઓરડાઓને શાળા મંડળ તરફથી તાળુ મારી બંધ કરવામાં આવેલી છે. પરંતુ આ ખંભાતી તાળા નીચે દરવાજો તુટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે.

આ શાળામાં જુના ઓરડાઓ ટેન્ડર કરી જમીનદોસ્ત કરવા બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં આજ દિન સુધી નવા ઓરડાઓ મંજુર થવા છતાં બનાવેલ નથી. આ શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોને પાયાની સુવિધા મળતી ન હોય પેથાપુર શાળામાં 90 ટકાથી વધુ બાળકો આદિવાસી સમુદાયમાંથી અભ્યાસ માટે આવે છે. જેમને પાયાના ભણતર માટેની પ્રાથમિક સુવિધા પણ આપવામાં આવતી નથી. આ શિયાળામાં કડકડતી ઠંડીમાં બાળકોને ઓરડાઓ વગર ખુલ્લી જમીન પર બેસાડી અભ્યાસ કરવામાં આવી રહ્યો હોય તેમ સમજી શકાય છે. સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પાછળ કરોડોના ઓરડાઓ મંજુર કરેલા તેમ છતાં આ વિસ્તાર આંતરિયાળ અને મહદઅંશે વિધાર્થીઓ આદિવાસી સમુદાયમાંથી આવતા હોય છે. જેમને પાયાની સુવિધા આપવામાં સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરી બેઠા છે. આ શાળામાં નવા ઓરડાઓ મંજુર થયેલા તેમ છતાં બે વર્ષ સુધી બાંધકામ કરવામાં આવેલ નથી. બાળકોના પ્રાથમિક અભ્યાસમાં પાયાની સુવિધા નહિ મળતા આવનાર સમયમાં જો શાળાને વાલીઓ તાળાબંધી કરવાની ફરજ ના પડે તેમ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.