ઝાલોદમાં ગેસ લાઈનના ખાડા અને ઉભરાતી ગટરોથી લોકો અને રાહદારીઓ પરેશાન

ઝાલોદ, ઝાલોદ નગરના કોળીવાડા વિસ્તારમાં ગેસ એજન્સી દ્વારા ગેસ લાઈન માટે ખાડા ખોદેલ છે જેની મંદ ગતિથી થતી કામગીરી લઈ આ વિસ્તારના લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે.

ગેસ લાઈન દ્વારા ખોદવામાં આવેલ ખાડા છેલ્લા કેટલાય દિવસથી પુરવામાં આવ્યા નથી જેથી રાહદારીઓ તેમજ દુકાનદારોને ખુબ જ તકલીફ પડી રહી છે. અહિં જે ગેસ લાઈનના ખાડા કેટલાય દિવસથી ખોદેલ છે ત્યાં રહેણાંક વિસ્તાર પણ નજીક છે જેથી અહિં રહેનાર નાના-નાના બાળકો રમતા રમતા આ ખાડામાં પડી ગયેલ હોવાની ધટના પણ સર્જાયેલ છે. વળી ખાડા ખોદેલ હોવાથી રોડ પર ધુળના ઢગલા જોવા મળી રહ્યા છે. તેથી અહિં વ્યાપાર કરનાર દુકાનદારોની દુકાનોમાં આ ધુળ ઉડીને આવે છે. તેમજ જે ખાડાઓ ગેસ એજન્સી દ્વારા ભરવામાં આવેલ છે તે અસમતોલ રીતે ભરેલ છે તેથી ઉંચા-નીચા લેવલને લીધે અહિં રહેતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી કોળીવાડા વિસ્તારના લોકોની માંગ છે કે,ગેસ એજન્સી દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પુરવામાં આવે અને રોડનુ જે ઉંચા નીચા ખાડા ભરેલ છે. તેનુ લેવલ કરી સમાંતર રોડ કરાવી આપે જેથી અહિંથી નીકળનાર રાહગીર, દુકાનદારો, કે રહેવાસીઓને કોઈ તકલીફ ન પડે.

ઝાલોદ નગરના સ્વર્ણિમ સર્કલ પાસે આવેલ કોર્નર પર નગરપાલિકાની મોટી ગટર લાઈન આવેલ છે. અહિં વ્યાપાર કરતા દુકાનદારોનુ કહેવુ છે કે,આ ગટર કાયમી ભરાય જાય છે. તેમજ આ ગટરની સફાઈ નગરપાલિકા દ્વારા કરવામાં તો આવે છે પરંતુ યોગ્ય નિકાલ ન હોવાના કારણે આ ગટર કાયમી ભરાયેલ રહે છે. આ ગટરમાંથી ખુબ દુર્ગંધ આવતી હોવાથી અહિં વ્યાપાર કરનાર વેપારીઓમાં સતત બિમારીનો ભય સતાવ્યા રહે છે. આ ઉભરાયેલ ગટરને લઈ અહિંના વેપારીઓ જાતે જ ગટરની ગટરની સાફસફાઈ કરતા હોય છે.આ ગટરલાઈનના પાણીના કાયમી નિકાલ કરવા ધણીવાર રજુઆતો કરવામાં આવેલ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરાતી હોવાની બુમો ઉઠવા પામી છે.જેથી આ ગટર લાઈનનો કાયમી ઉકેલ માટે અહિંના લોકોની માંગ ઉઠવા પામી છે.