મુંબઇ, ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનસ સાથે અમેરિકાના લોસ એંજલિસમાં રહે છે. હવે તેના ડ્રિમ હાઉસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવાય છે કે, કપલ મુશ્કેલીનો સામનો કર્યા બાદ આ ઘરને ખાલી કરી દીધું છે. એટલું જ નહીં તેમણે આ ઘર જેની પાસેથી લીધું તેના પર કેસ ઠોકી દીધો છે.
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, પ્રિયંકા ચોપડા અને નિક જોનસે વર્ષ ૨૦૧૯માં આ ઘરને ૨૦ મિલિયન ડોલર એટલે કે ૧૬૬ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.આ પ્રોપર્ટીમાં વોટર ડેમેજના કારણે કપલ અને તેના પરિવારને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો. પાણીના કારણે ઘરના અલગ અલગ ભાગમાં ભેજ અને લીલ જામવાની સમસ્યા થઈ રહી હતી. કપલે પોતાના કેસમાં કહ્યું છે કે, આ લોકોના સ્વાસ્થ્ય પર અસર પાડી શકે છે.
આ લક્ઝૂરી પ્રોપર્ટીમાં સાત બેડરુમ, નવ બાથરુમ, ટેમ્પરચર કંટ્રોલ વાઈન સેલર, શેફ કિચન, હોમ થિયેટર, બોલિંગ અલી, સ્પા અને સ્ટીમ શાવર, જિમ અને બિલિયર્ડ રુમ છે. કપલે મે ૨૦૨૩માં આ ઘર વેચનારા સેલર પર કેસ ઠોકી દીધો છે. તે અનુસાર, પ્રોપર્ટીને ખરીદ્યા બાદ તેના પૂલ અને સ્પામાં તકલીફો આવવા લાગી હતી. વોટરપ્રૂફિંગની તકલીફોના કારણે ઘરના ભાગમાં લીલ જામવાની સમસ્યાઓ થવા લાગી હતી.
તેમાં પણ એવું કહેવાયું છે કે, ઘરના ડેક પર બાબક્યૂ એરિયામાં પણ પાણી લીક થવાની સમસ્યાઓ પણ થવા લાગી હતી. પ્રિયંકા અને નિક આ સમસ્યાના કારણે થયેલા નુક્સાનની ભરપાઈની માગ કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કેસમાં કહેવાયું છે કે, કપલને રિપેરના પૈસા પાછા મળવા જોઈએ. આ ઉપરાંત જે પણ નુક્સાન તેમણે ઉઠાવ્યું છે, તેની ભરપાઈ હોવી જોઈએ. કહેવાય તો એવું પણ છે કે પ્રોપર્ટીને રિપેર કરવાનો ખર્ચો ૧.૫ મિલિયન ડોલરથી ૨.૫ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૩થી ૨૦ કરોડ રૂપિયા સુધી થશે.
આ દરમ્યાન પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પોતાની દીકરી માલતી મેરીને લઈને બીજી પ્રોપર્ટીમાં શિફ્ટ થઈ ગયા છે. જ્યાં સુધી તેમની પ્રોપર્ટી રિપેર નહીં થાય ત્યાં સુધી બંને દીકરી સાથે ત્યાં જ રહેશે. કપલે પોતાના કામના કારણે દુનિયાભરમાં ટ્રાવેલ કરે છે પણ તેમનું ઘર લોસ એંજલિસમાં છે, જ્યાં તે રહે છે.