પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભલાણીયા પંચાયતમાં આવેલ સરદારપુરા ફળિયા ખાતે ગઈ કાલે રાત્રીના 10 વાગ્યાના સુમારે પરમાર જાલમભાઈ ભાથીભાઈ અને તેમનો પૌત્ર પરમાર દિપકભાઇ ગુલાબભાઈ પોતાના ખેતરમાં ગયા હતા. એ સમય દરમિયાન બન્ને દાદા અને પૌત્રને આકસ્મિક કરંટ લાગવાથી ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. સદર બનાવની જાણ પરિવારજનો અને ગામના લોકોને થતાં ખેતરમાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક મહેલોલ આઉટ પોસ્ટ પોલીસને જાણ કરી હતી.
પોલીસ ઘટના સ્થળે દોડી આવી બનાવની તપાસ કરી પંચકેસ કર્યા બાદ બન્ને દાદા અને પૌત્રને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે લોકોનો સંપર્ક કરી ઘટના વિશે માહિતી મેળવી હતી. જેમાં ભલાણીયા ગામમાં રહેતા સુરેશભાઇ દરજીએ જણાવ્યું હતું કે, ગઈકાલે ગોધરા તાલુકાના ભલાણીયા પંચાયત આવેલ સરદારપુરા ફળિયામાં રહેતા પરમાર જાલમભાઈ ભાથીભાઈ અને તેમનો પૌત્ર પરમાર દિપકભાઇ ગુલાબ ભાઈ પોતાના ખેતરમાં મકાઈ ઓરી હતી. જેથી રાત્રિના દસ વાગ્યાના અરસામાં પોતાના ખેતરમાં જવા નીકળ્યા હતા. કેમ કે રાત્રીના સુમારે ભૂંડો દ્વારા મકાઈના પાકમાં ભેલાણ કરવામાં આવે છે માટે દાદા અને પૌત્ર બન્ને ખેતરમાં જવા નીકળ્યા હતા. ત્યારે દિપકભાઇ ગુલાબભાઈ ચાલતા ચાલતા આગળ નીકળી ગયા હતા. રસ્તામાં પસાર થતી વખતે વીજ થાંભલામાંથી આકસ્મિક કરંટ લાગવાથી દિપકભાઇ ગુલાબભાઈ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી દાદા જાલમભાઈ દોડી ખેતરમાં ગયા હતા અને પૌત્ર દિપકને બચાવવા માટે દોડી આવેલા જાલમભાઈ પણ વીજ કરંટની લપેટમાં આવી ગયા હતા. આમ બન્ને દાદા અને પૌત્રનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
દાદા અને પૌત્રના કરંટ લાગવાની જાણ ગામલોકો અને પરિવારજનોમાં થતા ખેતરમાં દોડી આવ્યા હતા અને આક્રંદ સાથે રુદન કરી રહ્યા હતા. જયારે આ બનાવ અંગે ગોધરા તાલુકાના મહેલોલ આઉટ પોસ્ટ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવની તાપસ હાથ ધરી પંચકેસ કર્યા બાદ બન્ને દાદા અને પૌત્રની ડેથબોડીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પિતા અને ભત્રીજાના મોતના સમાચાર સાંભળતા કાકા પોતે મોન ધારણ કરી મનોમન રૂદન કરી રહ્યા હતા અને ઘરના મોભી પિતા અને જવાન ભત્રીજોના મોતના સમાચારથી પરિવાર સહિત ગ્રામજનોમાં મોતનું મોજું ફરી વળ્યું હતું. હાલ આ બન્ને દાદા અને પૌત્રની મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલમાં પી.એમ અર્થે રાખવામાં આવેલ છે.