કોલકતા, વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં આ દિવસોમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પક્ષ બદલ્યા બાદ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગઠબંધનનો ભાગ રહેશે કે નહીં એ અંગે શંકા છે. એવા સમાચાર છે કે તૃણમૂલ કોંગ્રેસ પણ ઈન્ડિયા ગઠબંધનથી અલગ થઈ શકે છે. આ અંગે ડાબેરી પક્ષોએ નવો દાવો કર્યો છે.
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસવાદી સીપીઆઇ એમના નેતાઓએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં કોંગ્રેસની ’ભારત જોડો ન્યાય યાત્રા’માં ભાગ લીધો હતો. આ પ્રસંગે ડાબેરી પક્ષે કહ્યું કે જો તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષી પાર્ટીઓના ’ઈન્ડિયા’ ગઠબંધનમાંથી બહાર જાય છે, તો તેઓ તેનું સ્વાગત કરશે.સીપીઆઇ એમનું આ નિવેદન કોંગ્રેસના નિવેદનથી વિપરીત છે જે મુજબ તે હજુ પણ પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ સાથે સીટ સમજૂતીની આશા રાખે છે.
જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બંગાળ પહોંચી ગઈ છે. જ્યાં ગુરુવારે ડાબેરી કાર્યકરો અને સમર્થકોની મોટી ભીડ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈ હતી. આ દરમિયાન સીપીએમના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમ અને પાર્ટી સેન્ટ્રલ કમિટીના સભ્ય સુજન ચક્રવર્તી અને અન્ય નેતાઓએ રઘુનાથગંજમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ એમને કહ્યું કે ડાબેરી પક્ષો આરએસએસ ભાજપ અને અન્યાય સામેની લડાઈનો ભાગ બનવા માટે કોંગ્રેસ યાત્રામાં જોડાયા હતા. તેમણે કહ્યું, “અમે આરએસએસ-ભાજપ સામે લડી રહ્યા છીએ. આરએસએસ-ભાજપને ટક્કર આપવા માટે રાહુલ ગાંધી પણ ભારત જોડો ન્યાય યાત્રા સાથે નીકળ્યા છે. અમે ભારતમાં લોકશાહી બચાવવા માટે લડી રહ્યા છીએ. અમે આ યાત્રા પ્રત્યે અમારી એક્તા દર્શાવવા અહીં આવ્યા છીએ.”
સલીમે રાહુલ ગાંધી સાથે લગભગ ૪૫ મિનિટ સુધી મુલાકાત કરી હતી. એ બાદ એમને કહ્યું કે, ’શરૂઆતથી જ ઘણા લોકો આ ગઠબંધનમાં જોડાયા હતા, પરંતુ કોઈ કહી શક્તું નથી કે કોણ ભાજપ સામેની લડાઈનો ભાગ રહેશે અને કોણ તેનાથી દૂર રહેશે. મમતા બેનર્જી હવે તેનાથી દૂર રહેવા માંગે છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ.
બીજી તરફ પડોશી નાદિયા જિલ્લામાં એક સરકારી કાર્યક્રમને સંબોધતા, મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી રાજ્યમાં આગામી લોક્સભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા આતુર છે, પરંતુ કોંગ્રેસે જ તેમનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. આ વિશે વાત કરતાં તેમણે કહ્યું, ’અમે ગઠબંધન ઈચ્છતા હતા, પરંતુ કોંગ્રેસ રાજી ન થઈ. ચૂંટણીમાં ભાજપને મદદ કરવા માટે તેઓએ સીપીઆઇ એમ સાથે હાથ મિલાવ્યા છે… દેશમાં ભાજપ સામે લડવા માટે અમે જ એકલા છીએ.’