મુંબઇ, ચાલુ માસમાં યોજાનારી રાજયસભાની ચૂંટણીમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન મહારાષ્ટ્રમાંથી આ ઉપલા ગૃહમાં ચૂંટાઈ શકે છે. છેલ્લા બે દિવસથી રાજન મુંબઈમાં છે અને તેઓ તા.૩૧નારોજ શિવસેના (યુટીજી)ના વડા ઉધવ ઠાકરેને મળ્યા હતા અને માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના ઉમેદવાર તરીકે તેઓ રાજયસભાની ચૂંટણી લડશે.
જોકે આ અંગે કોઈ નિશ્ર્ચિત સંકેત મળ્યા નથી. પણ શિવસેના, કોંગ્રેસ, એનસીપીના જોડાણ મારફત રઘુરામ રાજનને ઉપલા ગૃહમાં મોકલવાની ચર્ચા શરૂ થઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકોમાં ભાજપ પાસે ૧૧૬ ધારાસભ્યો છે. જયારે શિવસેનાના શિંદે જુથ પાસે ૪૨ અને અજીત પવારજુથ સાથે ૪૪ ધારાસભ્યો છે, તેની સામે વિપક્ષમાં કોંગ્રેસના ૪૪, શિવસેના ઉધવ ઠાકરે જુથના ૧૬ અને એસપીની શરદ પવાર જુથના ૯ ધારાસભ્યો છે.
જયારે ૧ ઉમેદવારને જીતવા ૪૨ મતની જરૂરપડે છે. મહારાષ્ટ્રમાં જે ૬ રાજયસભા બેઠકો ખાલી થઈ રહી છે તેમા ભાજપ ૩ બેઠક જીતી શકે તે નિશ્ર્ચિત છે જયારે એકનાથ શિંદે અને અજીત પવાર જુથ ૧-૧ બેઠક જીતી શકશે. અને ૧ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપી શકે તેમ છે. જયારે શિવસેના શિંદે જુથ હાલમાં જ કોંગ્રેસમાંથી આવેલા મિલીંદ દેવરાને ઉમેદવાર બનાવી શકે છે.
ભાજપ તેના બે સીટીંગ સાંસદ પ્રકાશ જાવડેકર અને મુરલીધરનને પડતા મૂકી શકે તેમ છે. જયારે પક્ષના મહામંત્રી વિનોદ તાવડેનુ નામ ચર્ચામા છે. તેથી હવે રઘુરામન રાજન માટે વિપક્ષો કઈ રીતે એડજસ્ટ કરશે તેના પર નજર છે.