મુંબઇ, રિઝર્વ બેંકે ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ થી પેટીએમની પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જનતાની મહેનતના પૈસા લૂંટીને બનાવવામાં આવેલી કંપનીઓને રાજકીય સંરંક્ષણે બચાવી રાખી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું કે કેવી રીતે સરકારે સંસ્થાઓની સ્વતંત્રતા ખતમ કરીને દેશને વિનાશના માર્ગ પર લાવી દીધો છે. પેટીએમ ફ્રોડ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.સેબી અને આરબીઆઇ જેવી નિયમનકારી સંસ્થાઓ પેટીએમની છેતરપિંડી પર મૂક પ્રેક્ષક બની રહી હતી જેણે અખબારોમાં વડા પ્રધાનની તસવીર સાથે આખા પાનાની જાહેરાતો આપી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આવા રાજકીય સમર્થનથી ઘણી કંપનીઓને બચાવી લેવામાં આવી છે જે લોકોના મહેનતના પૈસા લૂંટીને મોટી બની હતી. નિયમનકારી સંસ્થાઓનું પતન જનતાની લૂંટની ખાતરી આપે છે.
આ પહેલા ગુરુવારે (૧ ફેબ્રુઆરી) રિઝર્વ બેંકે કહ્યું હતું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક ઘણા નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. આવી સ્થિતિમાં બેંકના ઓડિટ બાદ સેન્ટ્રલ બેંકે પેમેન્ટ બેંક સાથે નવા ગ્રાહકોને રોકવાનો નિર્ણય લીધો છે. RBI ના આ આદેશ પછી,પેટીએમ પેમેન્ટ્સ બેંક ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ગ્રાહકોના ખાતા અને વોલેટ ફાસ્ટટ્રેકમાં ડિપોઝિટ/ટોપ-અપ સ્વીકારી શકશે નહીં.
સેન્ટ્રલ બેંકના આ આદેશ પછી, પીટીએમ પેમેન્ટ્સ બેંક ૨૯ ફેબ્રુઆરીથી નવા ગ્રાહકો ઉમેરી શકશે નહીં, પરંતુ વર્તમાન ગ્રાહકો પહેલાની જેમ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. આ સાથે, ગ્રાહકો બચત, વર્તમાન, પ્રીપેડ, ફાસ્ટેગ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ માંથી કોઈપણ સમસ્યા વિના ઉપાડી શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આદેશ બાદ કંપનીના શેરમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીનો અંદાજ છે કે રિઝર્વ બેંકના આ પગલાથી તેની વાર્ષિક કમાણી પર રૂ. ૩૦૦ થી રૂ. ૫૦૦ કરોડની અસર થવાની સંભાવના છે.