ગુજરાતનું ૩,૩૨,૪૬૫ કરોડનું બજેટ રજૂ , ૮ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે,

  • ૧૬૨ નવી સરકારી શાળાઓ બનાવાશે: રાજ્યનો વિકાસદર ૧૪.૯ ટકા નાણાંમંત્રી કનુ દેસાઈ

ગાંધીનગર, વિધાનસભામાં આજે ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં જણાવ્યુ છે કે રાજ્યનો વિકાસદર ૧૪.૯ ટકા થયો છે. તેમજ અન્ય માહિતી પણ આપી છે. કચ્છના ધરતીકંપ પછી મોદીજીએ તેને જીવનવંતુ બનાવ્યુ છે. કચ્છ સમૃદ્ધ પ્રદેશ બન્યો છે. તેમણે જણાવ્યુ કે વડાપ્રધાન મોદીની આપદાને અવસરમાં ફેરવવાની કુનેહ છે. વિધાનસભામાં ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે ૧૨૫૦ કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં ૧૪.૮૯%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ ૨૦૦૦-૦૧માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો ૫.૧% હતો, જે આજે વધીને ૮.૨% થયેલ છે. આમ, ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. રાજયની આ વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ ૨૦૪૭સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત ૨૦૪૭નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે.

“એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય”ના સૂત્ર સાથે ભારતના નેતૃત્વમાં આયોજિત જી-૨૦ સંમેલનમાં વિશ્વ કલ્યાણ માટેની ભારતની પ્રતિબદ્ધતાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કરેલ છે. આજે ભારત વિશ્વ ના આર્થિક વિકાસનું કેન્દ્રબિંદુ જ નહી, પણ સાચા અર્થમાં વિશ્ર્વમિત્ર બન્યું છે. જી-૨૦ના વિવિધ કક્ષાના ૧૭ જેટલા કાર્યક્રમોનું આયોજન કરી, ગુજરાતે સમગ્ર વિશ્ર્વને પોતાની આર્થિક અને સામાજિક સમૃદ્ધિ તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપ્યો છે. નાનકડી શરૂઆતથી પોતાની સફરના ૨૦ વર્ષ પૂર્ણ કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે એક વિશ્ર્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વિનાશમાંથી વિકાસ, નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની વડાપ્રધાનની કુનેહના કારણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે રાજયની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે. અમૃતકાળની પ્રથમ એવી ૧૦મી વાઇબ્રન્ટ સમિટમાં ૪ દેશોના રાષ્ટ્રધ્યક્ષો , ૪૦દેશોના મંત્રીઓ, ૧૪૦થી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઇ ગુજરાતની આ વિકાસયાત્રામાં જોડાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે, જે આપણા સૌ માટે આનંદની વાત છે.

આપણા મૃદુ પણ મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું સ્વપ્નું છે કે, આપણું ગુજરાત ૫-જી ગુજરાત બને. તેઓની ૫-જીની કલ્પના છે- ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત ! ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય. ગુણવંતુ ગુજરાત એટલે એવુ રાજય કે જેના નાગરિકોનું જીવન, મૂલ્યનિષ્ઠ હોય અને તેઓ સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય. ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઊર્જા અને સરક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય.

નાણાંમંત્રીએ કહ્યું કે વિકસિત ગુજરાત ૨૦૪૭ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે.તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-૯ અને ૧૦ માટે વાર્ષિક ૧૦ હજાર તેમજ ધોરણ-૧૧ અને ૧૨ માટે વાર્ષિક ૧૫ હજારની સહાય કરવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ -૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે કુલ ૨૫૦ હજારની સહાય મળવાપાત્ર કરવાનો છે. સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની રાજ્ય સરકારની જાહેરાત કરી છે. તેમજ ૭૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.રાજયની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ કલાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ કલાસરૂમથી સજ્જ કરવા લ્લ૨૦૦૦ કરોડનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ ૨.૦ અમલી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને શાળાઓની કામગીરીનું અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી રિઅલ ટાઇમ મોનિટરિંગ કરવા દેશનું સર્વપ્રથમ “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ છે. દેશ-વિદેશના ઘણા મહાનુભાવોએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇ તેને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને વિકાસશીલ દેશો માટે એક અનુસરણીય મોડેલ ગણાવ્યું છે.

રમતગમત ક્ષેત્રે સફળતાના નવા શિખરો સર કરવા માટે રાજયમાં ઓલમ્પિક કક્ષાનું સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ હેતુસર અમદાવાદમાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. રાજયના અંતરિયાળ વિસ્તારના ગામડાઓથી માંડીને શહેરી વિસ્તારોમાંથી વિવિધ રમતોમાં તેજસ્વી બાળકોને ઓળખી તેમને સુનિયોજત ધોરણે તાલીમ આપવાનું આયોજન છે.

પવન અને સૌરઊર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ દ્વારા રાજયમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે.

વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના ૧૫,૧૮૧ કરોડના બજેટમાં ૩૨.૪૦%નો નોંધપાત્ર વધારો કરાયો છે અને આગામી વર્ષ માટે ૨૦,૧૦૦ કરોડની જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કરાઇ છે.રમતગમત ક્ષેત્ર,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ , પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્ર માટે પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્ર માટે ૩૭૬ કરોડ રુપિયા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ૧૨૨ કરોડ રુપિયાની જાહેરાત કરવામાં આવી છે. પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ૧૧૩ કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

આ ઉપરાંત પાક કૃષિ વ્યવસ્થા માટે જે જોગવાઇ કરી છે તેમાં ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા RS.૭૦૧ કરોડની જોગવાઇ. વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે રૂ.૩૫૦ કરોડની જોગવાઈ. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત RS. ૨૧૮ કરોડની જોગવાઇ. એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા રૂ. ૨૦૦ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત સહાય આપવા માટે રૂ.૭૭ કરોડની જોગવાઈ. ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ રૂ. ૮૧ કરોડની જોગવાઇ. વધુ ઉત્પાદન આપતી સટફાઇડ જાતોના બિયારણ વિતરણ માટે સહાય આપવાના હેતુસર સીડ રીપ્લેસમેન્ટ રેટ માં વધારો કરવા માટે રૂ. ૮૦ કરોડની જોગવાઈ. કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિવિમાન)ને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે રૂ. ૫૬ કરોડની જોગવાઈ. ગુજરાત રાજયના ખેડૂતોને મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે લ્લ૩૫ કરોડની જોગવાઈ.

આ ઉપરાંત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ રૂ. ૧૬૮ કરોડની જોગવાઇ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂ. ૧૯૯ કરોડની જોગવાઇ. સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે રૂ. ૨૯૪ કરોડની જોગવાઈ. નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂ. ૧૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.