ચીની હેર્ક્સ અમેરિકામાં વિનાશ લાવી શકે છે,એફબીઆઇ ચીફની ચેતવણી

વોશિગ્ટન, અમેરિકાની ફેડરલ તપાસ એજન્સી એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ ચેતવણી આપી છે કે ચીનના હેર્ક્સ અમેરિકાની મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાઇટ્સ પર હુમલો કરીને વિનાશ મચાવી શકે છે. રેએ ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી પરની યુએસ કોંગ્રેસનલ કમિટીને જણાવ્યું હતું કે ચીની હેર્ક્સે અમેરિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘૂસણખોરી કરી છે અને ચીનના ઈશારે અમેરિકામાં મોટાપાયે તબાહી મચાવી શકે છે અને અમેરિકન નાગરિકોને ભારે નુક્સાન પહોંચાડી શકે છે.

એફબીઆઈના વડાએ કહ્યું કે ચાઈનીઝ હેર્ક્સ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઈલેક્ટ્રિક ગ્રીડ અને ઓઈલ અને નેચરલ ગેસ પાઈપલાઈનને નિશાન બનાવી શકે છે. તેમણે કહ્યું કે આ દેશની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મોટો ખતરો છે. ચીનની સરકારે અગાઉ અમેરિકામાં હેકિંગના આરોપોને નકારી કાઢ્યા હતા. ક્રિસ્ટોફર રેએ કહ્યું કે સાયબર સિક્યોરિટીના સંદર્ભમાં અમારી કેટલીક નબળાઈઓ છે, જેના કારણે ચીની હેર્ક્સે સિસ્ટમમાં રહેલી ખામીઓનો સરળતાથી ફાયદો ઉઠાવ્યો છે અને તેનો ભંગ કર્યો છે. અમેરિકાની સાયબર સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સીના વડા જીન ઈસ્ટરલીએ પણ એફબીઆઈ ચીફના ડરને સમર્થન આપ્યું હતું.

એફબીઆઈ ડાયરેક્ટરની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા અને ચીન બંને તણાવ ઘટાડવા માટે વાતચીત કરી રહ્યા છે. તાજેતરમાં બેંગકોકમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને તેમના ચીની સમકક્ષ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ ૧૨ કલાક સુધી ચાલી હતી, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, પશ્ર્ચિમ એશિયાની સ્થિતિ, ઉત્તર કોરિયા વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકા પણ ચાઈનીઝ હેર્ક્સના સાયબર હુમલાને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ માટે સેન્ટ્રલ ડિવાઈસમાંથી ઘણા શંકાસ્પદ કોડ્સ હટાવવામાં આવી રહ્યા છે, પરંતુ એવું માનવામાં આવે છે કે ચીની હેર્ક્સની પહોંચ ઘણી ઊંડી છે અને હજુ પણ એક ગંભીર ખતરો છે.