તેલઅવીવ, ઇઝરાયલે ગાઝાપટ્ટી કરેલા જોરદાર હુમલામાં ૧૫૦થી વધુના મોત થયા છે અને ૩૧ને ઇજા થઈ છે, એમ ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આ હુમલાના પગલે ઇઝરાયલ-હમાસ યુદ્ધના પગલે મૃત્યુ પામેલા પેલેસ્ટાઇનીઓનો આંકડો ૨૭૦૦૦ને વટાવી ગયો છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગનાઓમાં સ્ત્રી અને બાળકોની સંખ્યા વધારે છે. ઇઝરાયેલના લશ્કરે દાવો કર્યો છે કે તેણે હમાસના ૧૫ આતંકવાદીઓને મારી નાખ્યા છે. તેણે એક સ્કૂલમાં હમાસના આતંકવાદી માળખાને વસ્ત કરી નાખ્યું હતું.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ યુદ્ધવિરામ માટે હમાસની ઇઝરાયલની જેલોમાં બંધ હજારો પેલેસ્ટાઇનીઓને છોડવાની અને ગાઝાપટ્ટી તાકીદે ખાલી કરી જવાની માંગને ફગાવી દીધી હતી. ઇઝરાયલ પર સાતમી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ થયેલા હુમલામાં હમાસે ૧૨૦૦થી વધુને ઠાર કર્યા હતા અને ૨૫૦થી વધુને બંધક બનાવ્યા હતા. ઇઝરાયેલે આ ઉપરાંત ગાઝાપટ્ટીમાં બનાવેલી ૮૦૦ ઉપરાંતની ટનલોમાં સમુદ્રનુ પાણી ભરી રહ્યુ છે. આ માટે તેણે દોઢ કિ.મી. લાંબી પાઇપલાઇન પાથરી દીધી છે. તેની મોટર હજારો લિટર સમુદ્રનું પાણી ખેંચવા સક્ષમ છે. ટનલોમાં સમુદ્રનું પાણી ભરાવવાના લીધે ખારા પાણીના લીધે વહેલા કે મોડા ટનલ ધસી પડે તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ ઉપરાંત રાતા સમુદ્રમાં હુથી હુમલાખોરોના વધી રહેલા હુમલાને યાનમાં રાખતા પોતાના જહાજોને સુરક્ષિત રાખવા માટે યુરોપીયન યુનિયન પણ નૌકાદળનો એક કાફલો મોકલવાનું આયોજન ધરાવે છે. જો કે તેણે સ્પષ્ટ કરી દીધુ છે કે તેનો ઇઝરાયલ-હમાસ યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. આ ઉપરાંત ઇરાને અમેરિકાને ચીમકી આપી છે કે જો તેના પર હુમલો કરવામાં આવ્યો તો પરિણામ સારુ નહી આપે. તેઓ તેનો વળતો પ્રહાર કરશે.