
સુરત, સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે. પોલીસના ખોફ વિના તસ્કરો કોઈ પણ ડર વગર ચોરીની ઘટનાઓને સતત અંજામ આપી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં સરકારી કચેરીઓ પણ સુરક્ષિત રહી નથી. સુરતના વરાછામાં આવેલ મનપાની માગોબ કચેરીમાં ચોરીની ઘટના બની છે. રાત્રિના સમયે તસ્કરો કચેરીમાં ત્રાટક્યા હતા અને કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતની ચોરી કરી ફરાર થયા હતા. કોમ્પ્યુટરની ચોરી થતા, તેમાં રહેલો તમામ મહત્ત્વનો ડેટા પણ ચોરાઈ ગયો છે. આરોપ છે કે ચોરીની આ ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી નહોતી.
સુરતમાં ફરી એકવાર તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. જો કે, આ વખતે ચોરી કોઈ મકાન કે દુકાનમાં નથી થઈ પરંતુ, સરકારી કચેરીમાં થઈ છે. જી હા, સુરતના વરાછા ઝોન એમાં આવેલ ધનવર્ષા આરોગ્ય વોર્ડ ઓફિસ છે. આ કચેરીમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. કચેરીના અધિકારી બીજા દિવસે સવારે જ્યારે ઓફિસે આવ્યા તો તાળું તૂટેલું જોઈ ચોંક્યા હતા. ઓફિસની અંદર તપાસ કરતા કોમ્પ્યુટર અને પ્રિન્ટર ગાયબ હતા. જ્યારે તસ્કરોએ કચેરીનો સીસીટીવી કેમેરો પણ તોડી નોખ્યો હતો. કોમ્પ્યુટરની ચોરીની સાથે તેમાં રહેલો મહત્ત્વનો ડેટા પણ ચોરી થયો હતો.
અધિકારીઓએ આરોપ લગાવ્યો કે, કેચરીમાં ચોરીની ઘટનાની જાણ થતા અધિકારીઓ નજીકના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધવા પોલીસ અધિકારીનું કહ્યું હતું પરંતુ, પોલીસે તેમની ફરિયાદ લીધી નહોતી. જો કે, આ ઘટના બાદ લોકો વચ્ચે ચર્ચા છે કે જ્યારે સરકારી કચેરીઓ જ સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાનું શું ? સરકારી અધિકારીઓની ફરિયાદ જો પોલીસ નોંધતી નથી તો પછી સામાન્ય જનતા ફરિયાદ કરવા જાય તો તેમની સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હશે?