
ભાવનગર, ભાવનગર નજીકના ભવિષ્યમાં મોબાઈલ રિચાર્જની જેમ ઘરે વીજળી મેળવવા માટે પ્રિપેઈડ રિચાર્જ કરાવવું પડશે. આના માટે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર ઘરે ઘરે લગાવવામાં આવશે. વીજચોરીના દુષણના કારણે પીજીવીસીએલ તંત્રને થતા વીજલોસને ખાળવા માટે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ આગામી સમયમાં શરૂ થશે. રાજકોટ અને જામનગરમાં સ્માર્ટ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે તેના તારણો બાદ આગામી સમયમાં ભાવનગરમાં પણ ઘરે-ઘરે સ્માર્ટ મીટર લાગશે. જે અંતર્ગત વીજ વપરાશના નાણાં મોબાઈલ રિચાર્જની જેમ પહેલા ચૂકવવા પડશે.
સરકારના મહત્વકાંક્ષી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગરમાં નજીકના ભવિષ્યમાં ઘરે-ઘરે સ્માર્ટ મીટર લાગશે. રાજકોટ અને જામનગરમાં સ્માર્ટ મીટર લગાવીને પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે. આગામી દિવસોમાં ભાવનગરમાં પણ ઘરે-ઘરે સ્માર્ટ મીટર લાગશે.વીજચોરીના દુષણના કારણે પીજીવીસીએલ તંત્રને થતા વીજલોસને ખાળવા માટે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ આગામી સમયમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રાહક પ્રિપેઈડ સવસ થકી એટલે કે અગાઉથી નાણાં ચૂકવી વીજળી મેળશે. ખેતીવાડી અને હાઈટેન્શન વીજકનેક્શન સિવાયના તમામ કનેક્શનોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જોકે હજુ ઘરે-ઘરે સ્માર્ટ મીટર આવતા થોડો સમય લાગી શકે છે. શરૂઆતના તબક્કામાં સરકારી કચેરી અને ઓફિસો કે જેના વીજબીલ બાકી છે તે ભરપાઈ થઈ જશે પછી સરકારી કચેરીઓમાં સૌપ્રથમ સ્માર્ટ મીટર લાગશે. એ સિવાય પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર લાગશે. બીજી તરફ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વીજચોરીનું દુષણ વધારે હોવાથી મહુવા તાલુકામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પહેલા સ્માર્ટ મીટર લાગશે.
સ્માર્ટ મીટર અંગે ભાવનગર અધિક્ષક ઈજનેરે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી વીજળી અને પૈસાની બચત થશે. પ્રીપેઈડ સવસ હોવાથી બીનજરૂરી વીજ વપરાશનું ગ્રાહક તારણ કાઢી શકશે અને તેનાથી વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ થશે અને નાણાંની બચત થશે. જેનાથી અંતે તો ગ્રાહકોને ફાયદો થવાનો છે.
કેવું હશે સ્માર્ટ મીટર? રિચાર્જ કેવી રીતે થશે?
ગ્રાહક નંબર પરથી જ સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરી શકાશે
રિચાર્જ કરવાનું ભૂલાય ગયું અને રજાના દિવસોમાં રિચાર્જ નહી થઈ શકે તો વીજજોડાણ કપાશે નહી.
સ્માર્ટ મીટરનો કોઈ અલગથી ચાર્જ નહી હોય, કોઈ પણ પેમેન્ટ એપ્લિકેશનની મદદથી રિચાર્જ થઈ શકશે.
વીજચોરી થઈ શકશે નહી, વીજળીનો કેટલો ઉપયોગ થયો અને કેટલો ખર્ચ થયો તેનું અવલોકન સરળ બનશે.
પીજીવીસીએલને વીજચોરીના કારણે મોટા પ્રમાણમાં નુંક્સાન વેઠવાનો વારો આવી રહ્યો છે. પીજીવીસીએલ દ્વારા સતત ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. જેના તારણો અનુસાર ભાવનગર શહેરમાં વીજચોરીનું દુષણ વધુ રહ્યું છે. છેલ્લા પાંચ માસના આંકડાઓ પર નજર કરીએ તો શહેરમાં વીજચોરીના દુષણનું પ્રમાણ વધતુ જણાઈ રહ્યું છે. છેલ્લા પાંચ માસમાં ભાવનગર શહેરમાંથી ૨.૩૬ કરોડની વીજચોરી ઝડપાઈ છે. આ દુષણને ડામવા વીજતંત્ર આગામી સમયમાં સખ્તાઈ વર્તશે.