લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો: બાકરોલના પાંચ માથાભારે શખ્સોએ ટ્રસ્ટની મિલ્કતમાં ગેરકાયદેસર કબ્જો જમાવી મકાન અને મંદિર બનાવી દીધું, પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

બાકરોલના પાંચ માથાભારે શખ્સોએ પોતાની માલિકીની મિલ્કત એક ટ્રસ્ટને વેચ્યાં બાદ તે મિલ્કત ઉપર જ ગેરકાયદેસર કબ્જો જમાવી તેમાં ગેરકાયદેસર રીતે પાકુ મકાન અને મંદિર બનાવી દેતાં મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. આ અંગેપોલીસે આ અંગે લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ તાલુકાના બાકરોલ ખાતે સોરઠીયા પ્રજાપતિ સમાજનું એક ટ્રસ્ટ કાર્યરત છે. આ શ્રી સોરઠીયા પ્રજાપતિ કલ્યાણ ટ્રસ્ટ ગરીબ વિદ્યાર્થીઓને નોટો-ચોપડા વિતરણ, મેડીકલ સહાય, કુદરતી આફતો સમયે અનાજની કીટોનું વિતરણ તથા નબળા પરિવારને આર્થિક સહાય વિગરે સમાજસેવાનું કામ કરે છે. આ ટ્રસ્ટના પ્રમુખ તેમજ કમીટીના સભ્યોએ ઓગણીસ વર્ષ અગાઉ બાકરોલમાં રેવન્યુ સર્વે નંબર 2608 વાળી બિન ખેતીલાયક જમીન પૈકી 361.31 ચો.મી. જમીન અને તેમાં બાંધવામાં આવેલ મકાન સહિતની મીલ્કત હરમાનભાઇ શનાભાઇ પરમાર, રામાભાઈ શનાભાઇ પરમાર, કમલેશભાઈ ભાઈલાલભાઈ પરમાર, રેવાબેન પ્રભાતભાઇ પરમાર, પિન્ટુકુમાર પ્રભાતભાઈ પરમાર, નિમેષકુમાર પ્રભાતભાઈ પરમાર, સુભાષભાઇ પ્રભાતભાઈ પરમાર, દીવાળીબેન રઈજીભાઇ પરમારના અને સંતોષબેન રઈજીભાઈ પરમાર (તમામ રહે. દર્શન સોસાયટી, બાકરોલ) તથા તેમની દીકરીઓ મળી કુલ 16 ખાતેદારો પાસેથી ખરીદી હતી અને રૂપિયા 3,56,200 ચુકવી તેનો વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો. જે બાદ આ વેચાણ દસ્તાવેજ ના આધારે આ જમીનના 7/12 રેકર્ડમાં શ્રી સોરઠીયા પ્રજાપતિ કલ્યાણ ટ્રસ્ટ બાકરોલ (વલ્લભવિદ્યાનગર) ના પ્રમુખ લખમણહીરજી ભરડવાનું નામ દાખલ કરાવી, જમીનનો કબ્જો મેળવ્યો હતો.

શરૂઆતના આઠેક વર્ષ સુધી આ મિલ્કતમાં શ્રી સોરઠીયા પ્રજાપતિ કલ્યાણ ટ્રસ્ટની ઓફિસ ચાલતી હતી. જોકે, છેલ્લા પાંચેક વર્ષેથી હરમાનભાઈ શનાભાઈ પરમાર, રામાભાઈ શનાભાઈ પરમાર, પિન્ટુકુમાર પ્રભાતભાઈ પરમાર, નિમેષકુમાર પ્રભાતભાઈ પરમાર, સુભાષભાઈ પ્રભાતભાઈ પરમાર એ ટ્રસ્ટની આ મિલ્કતમાં ગેરકાયદેસર કબ્જો જમાવી, ટ્રસ્ટનું બોર્ડ પણ ઉતારી ફેંકી દીધેલ છે. તદુપરાંત તેઓ દ્વારા ટ્રસ્ટના પ્રમુખ સહિતના હોદ્દેદારોને આ મિલ્કતમાં પેસવા દેતા નથી અને “આ મિલ્કત તમારી નથી, અહી કોઇ મીટીંગ કરવી નહી, કોઇ સેવા કરવા માટે આવવું નહી” તેમ કહી, મારવાની ધમકીઓ આપી ભગાડી મુકે છે. તેમજ હરમાનભાઇ શનાભાઇ પરમારે આ ટ્રસ્ટની જમીનમાં ગેરકાયદેસર રીતે પાકું ચણતર કરી મકાન તથા ખોડીયાર માતાજીનું મંદિર પણ બનાવી દીધું છે.

જેથી ટ્રસ્ટના હોદ્દેદારોએ આ અંગે જીલ્લા લેન્ડ ગ્રેબીંગ કમિટીમાં અરજી કરી હતી. આ અરજીની તપાસમાં હરમાનભાઈ પરમાર, રામાભાઈ પરમાર, પિન્ટુભાઈ પરમાર, નિમેશભાઈ પરમાર અને સુભાષભાઈ પરમારે જમીન પચાવી પાડી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ફલીત થતુ હોઇ તેમની વિરૂદ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવાનો હુકમ ડીસ્ટ્રીકટ લેન્ડ ગ્રેબીગ કમિટી અને નિવાસી અધિક કલેક્ટર, આણંદ દ્વારા કરવામાં આવ્યો છે. જે મુજબ શ્રી સોરઠીયા પ્રજાપતિ કલ્યાણ ટ્રસ્ટ ના માનદ મંત્રી વિઠ્ઠલભાઈ નાથાભાઈ ચાંડેગરાએ વિદ્યાનગર પોલીસ મથકમાં આ પાંચેય વિરૂદ્ધ ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટમુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.