શહેરા, પંચમહાલ જિલ્લાના મોરવા(હ)તાલુકાના સાલીયા ખાતેની સરકારી જમીન પરત મેળવવા જિલ્લા કલેકટરને ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી છે. જેમાં જમીન પરત અપાશે તો રોજગારી આપવાની પંચાયતની બાંહેધરી આપવામાં આવી છે.
સાલીયા ખાતે આવેલી સરકારી જમીન ગ્રામ પંચાયતને પરત આપે તેવી લેખિત રજુઆત ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ કરાઈ છે. હાલમાં આ જમીન સરકાર હસ્તક છે. ત્યારે આ જમીન પાછી આપવામમાં આવે તો ત્યાં રોજગારીની તકો ઉભી કરી યુવાનોને રોજગાર આપવા અંગેની કામગીરી કરાશે. તેવી પણ લેખિત રજુઆત જિલ્લા કલેકટરને કરવામાં આવી છે. સાલીયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી લેખિત રજુઆતમાં જણાવ્યુ છે કે, સાલીયા ખાતેની જમીન હાલમાં સરકારી હસ્તક છે, આ જમીન હાલ સ્થળ પર પડતર રહેવા પામેલી છે અને જમીન ખુલ્લી પડેલી છે આ જમીન સરકારના હસ્તક રેકર્ડ ઉપર પરત લેવાની થાય છે. જેથી આ જમીન સરકારના હસ્તક પરત લઈ સાલીયા ગ્રામ પંચાયતના લોકોના જાહેર હિત માટે ઉપયોગી થઈ શકે તેમ છે. જમીન ઉપરની કાર્યવાહી પછી આ સરકારી જમીન ગ્રામ પંચાયત સાલીયાને આપવામાં આવશે તો જમીનમાં ગ્રામ પંચાયત પોતાના સ્વખર્ચે વાણિજયની દુકાનો, કોમ્પલેક્ષ, બનાવી ગામના શિક્ષિત બેરોજગાર યુવાનો અને અન્ય આ જ ગામના લોકોને રોજગારી મળી રહે તે માટે ગ્રામ પંચાયત આ જમીનમાં દુકાનો બનાવી તે દુકાનો ફકત ગામના લોકોને જ ભાડે આપવા માંગીએ છીએ જેથી સરકારના ધારા ધોરણ મુજબ ગ્રામ પંચાયત સાલીયાને સરકારી જમીન કાયમી ફાળવે તો જે કોઈ નાણાં સરકારમાં ભરવાના થાય તે ભરવા ગ્રામ પંચાયત સંમત હોય, માંગણી મુજબની જમીન ફાળવી આપવા યોગ્ય કાર્યવાહી થવા પંચાયતની માંગણી કરાઈ છે.