જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પૂજા માટે પરવાનગી; ઉજવણીનું વાતાવરણ

વારાણસી, જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય આવ્યો છે. આ નિર્ણય હિંદુઓની તરફેણમાં આપવામાં આવ્યો છે. નિર્ણય અનુસાર હિંદુઓને જ્ઞાનવાપી ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે.

જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજાને લગતી અરજી પર ડિસ્ટ્રિક્ટ જજ ડૉ. અજય કૃષ્ણ વિશ્ર્વેશની કોર્ટમાં મંગળવારે બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી. કોર્ટે બુધવારે આ કેસમાં પોતાનો આદેશ આપ્યો હતો. ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપવામાં આવી છે.

આ મુદ્દા અંગે હિન્દુ પક્ષના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આજે વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને કોર્ટે જિલ્લા અધિકારીને એક સપ્તાહમાં આદેશનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.

હિન્દુ પક્ષે વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી મળતા હિન્દુ પક્ષના વકીલો અને સામાન્ય લોકોમાં ઉજવણીનો માહોલ છે. વકીલોએ વિજયના ચિન્હો બતાવીને વિજયની ઉજવણી કરી હતી.

વાદીના વકીલોના જણાવ્યા અનુસાર વ્યાસજીનું ભોંયરું ડીએમને સોંપવામાં આવ્યું છે. વકીલોની વિનંતી પર કોર્ટે નંદીની સામે બેરિકેડિંગ ખોલવાની મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં હવે કોર્ટના આદેશથી લોકોને ૧૯૯૩ પહેલાની જેમ ભોંયરામાં પૂજા માટે આવવા-જવાની છૂટ આપવામાં આવશે.

મંગળવારે, કોર્ટમાં, અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ સમિતિ વતી વકીલ મુમતાઝ અહેમદ અને ઇખલાક અહેમદે કહ્યું હતું કે વ્યાસજીનું ભોંયરું મસ્જિદનો એક ભાગ છે. ત્યાં પૂજા કરવાની મંજૂરી આપી શકાતી નથી. આ મામલો પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ દ્વારા અવરોધાય છે. ભોંયરું વક્ફ બોર્ડની મિલક્ત છે. તેથી ત્યાં પૂજા કરવાની છૂટ ન હોવી જોઈએ.