અક્ષય કુમાર નહીં, બોની કપૂરની કંપની ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી બનાવશે

મુંબઇ, થોડા કેટલાક સમયથી નોઈડામાં ફિલ્મ સિટી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. આને લઈને થોડા સમય પહેલા એક સમાચાર આવ્યા હતા કે અક્ષય કુમારની કંપની ફિલ્મ સિટી બનાવશે. અક્ષય કુમાર સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ આ માટે બોલી લગાવી હતી. જેમાં બોની કપૂરનું નામ પણ સામેલ હતું. પરંતુ છેલ્લી ગેમ બોની કપૂર અને અન્ય કંપનીએ સંયુક્ત રીતે જીતી છે. હવે બોની કપૂર નોઈડાની ફિલ્મ સિટી તૈયાર કરશે.

ઉત્તર પ્રદેશ સરકાર હેઠળની યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મંગળવારે આ પ્રોજેક્ટ માટે બિડ મૂકવામાં આવી હતી. જેમાં બોની કપૂરની સાથે રિયલ એસ્ટેટ કંપની ભૂટાની ગ્રુપે બિડ જીતી હતી. બોનીએ ફિલ્મ સિટી માટે સૌથી વધુ બોલી લગાવી અને પ્રોજેક્ટ જીતી લીધો છે.

તમને જણાવી દઈએ કે બોની કપૂરે બિડ જીતી લીધી છે પરંતુ તેમને હજુ સુધી યુપી સરકાર તરફથી મંજૂરી મળી નથી. ફાઈનલ અપ્રુવલ માટે રાહ જોવી પડી શકે છે. બોની કપૂર સાથે સુપર કેસેટ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ (ટી-સિરીઝ), સુપરસોનિક ટેક્નોબિલ્ડ પ્રાઈવેટ લિમિટેડ (અક્ષય કુમાર, મોદક ફિલ્મ્સ) અને ૪ લાયન્સ ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પણ બોલી લગાવવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. ફિલ્મ સિટીની વાત કરીએ તો તે ૧૦૦૦ એકર જમીન પર બની રહી છે. જ્યારે આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેનો વિસ્તાર ૨૩૦ એકર રાખવામાં આવ્યો હતો, જે બાદમાં વધારીને ૧૦૦૦ એકર કરવામાં આવ્યો હતો. લોકેશનની વાત કરીએ તો તેને યમુના એક્સપ્રેસ વે પાસે બનાવવામાં આવશે. કોરોનાના સમયગાળા દરમિયાન ફિલ્મ સિટી બનાવવાના પ્રયાસો શરૂ થયા હતા. બોલિવુડના ઘણા કલાકારોએ તેને સપોર્ટ કર્યો હતો. આમાંથી એક નામ રાજુ શ્રીવાસ્તવનું હતું પરંતુ તે હવે આ દુનિયામાં નથી.