પાન-મસાલાના બાકી પૈસા માટે યુવકની સરાજાહેર હત્યા, છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટ, ગોંડલ શહેરમાં નજીવી બાબતે બોલાચાલીનો મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. અપશબ્દો બોલવાની બાબતે બે યુવાનો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો અને જપાજપીમાં ૨૮ વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે વાત કરીએ તો, ગોંડલ શહેર ખાતે ૨૮ વર્ષીય સાગર ભરવાડ નામના યુવાનનું છરીના ઘા ઝીંકવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના ભાઈ નરેશ ભરવાડ દ્વારા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામ પરમાર વિરુદ્ધ ૩૦૨ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સામા પક્ષે ૩૭ વર્ષીય ઘનશ્યામ લુહાર દ્વારા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ અંતર્ગત મૃતક સાગર ભરવાડ, કેતન ભરવાડ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અપશબ્દો બોલવા જેવી બાબતમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાની ઘટના સામે આવતાં પોલીસ દ્વારા ઘનશ્યામ પરમારની અટકાયત કરવામાં આવી છે.

નરેશ ભરવાડે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો ભાઈ સાગર ભરવાડ ગોંડલ બસ સ્ટેન્ડ ચોકમાં ક્રિષ્ના પાન તેમજ ચાની દુકાન ચલાવી વેપાર કરે છે. સાગર ભરવાડ તેમજ પોતાનો ભાગીદાર કેતન ભરવાડ ચા પાનની દુકાન ખાતે ધંધો કરી રહ્યા હતા. તે સમયે ઘનશ્યામ પરમાર ત્યાંથી નીકળ્યો હતો. ત્યારે સાગર ભરવાડ પણ બાથરૂમ કરવા રોડ ક્રોસ કરતો હતો તે સમયે અગાઉ ઉધાર બાકી રાખવા બાબતે ઘનશ્યામ પરમાર અને સાગર ભરવાડ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીમાં ઘનશ્યામે છરી કાઢીને સાગરને જમણા ખભા નીચે મારી દીધી હતી. જેથી બંને જપાજપી કરવા લાગ્યા હતા. સાગરને બચાવવા માટે કેતન સહિતના વ્યક્તિઓ વચ્ચે પડ્યા હતા. પરંતુ બાદમાં ઘનશ્યામ પરમાર ત્યાંથી નાસી ગયો હતો. તેમજ ત્યારબાદ સાગર ભરવાડને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ ત્યાંથી વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે સાગર ભરવાડને મૃત જાહેર કર્યો હતો.

સામાપક્ષે ઘનશ્યામ પરમાર પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી પોતે સવારના ૭:૩૦ વાગ્યે પોતાના ઘરેથી મોનગ વોક માટે નીકળે છે. ગઈકાલે પણ પોતે મોનગ વોક માટે નીકળતા બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ક્રિષ્ના પાન નામની દુકાન પાસે સાગર ભરવાડ નામના વ્યક્તિ તેને જોઈને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ઘનશ્યામ પરમાર તેની પાસે જઈને પૂછ્યું હતું કે તું શું કામ ગાળો બોલે છે? જેથી સાગર ભરવાડે કહ્યું હતું કે તારે કંઈ હોય તો દુકાને આવી જવું. જેથી ઘનશ્યામ પરમારે પણ તેને કહ્યું હતું કે તારે કંઈ વાંધો હોય તો તારે પણ આવી જવું આમ કહેતાં બોલાચાલી થઈ હતી.

તે બાદ ફરી મોનગ વોક પર નીકળતા સાગર ભરવાડ ફરી પાછું બોલવા લાગ્યો હતો. જેથી ધનશ્યામે પણ તારે શું છે તેમ કહેતા સાગરે ત્તેને ગાળો ભાંડી હતી. ત્યારબાદ લોખંડના દોરીયા ઉપાડીને સાગરે તેને માર મારવા લાગતા તેમની વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ સમયે કેતન તેમજ અન્ય વ્યક્તિ દ્વારા પણ ઘનશ્યામને માર મારવા લાગ્યા હતા. જેથી ઘનશ્યામે છરી કાઢીને મેં સાગરને એક ઘા માર્યો હતો. સમગ્ર ઘટનામાં સાગર ત્યાં જ પડી ગયેલ અને ઘનશ્યામ ત્યાંથી નાસી ગયો હતો.