- નવો ફોન ખરીદ્યો; પોલીસે એ જ ફોન દ્વારા આરોપીને પકડી પાડ્યો.
નવીદિલ્હી, દિલ્હીના ખોયા મંડી વિસ્તારના ડીડીએ પાર્ક પાસે એક ૨૦ વર્ષના યુવકે પોતાના જ મિત્રની હત્યા કરી દીધી. યુવકનો આરોપ છે કે તેનો મિત્ર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ સેક્સ કરવાનું દબાણ કરી રહ્યો હતો. જ્યારે ડીડીએ પાર્ક પાસે અવાવરું જગ્યાએ દબાણ કરવાની કોશિશ કરી તો તેને ગુસ્સો આવી ગયો અને તેણે મિત્રની હત્યા કરી દીધી. ત્યાર બાદ તેણે પથ્થરથી તેના મિત્રના ચહેરાને છૂંદી નાખ્યો અને મૃતકના ખિસ્સામાંથી રૂપિયા અને ફોન લઇને ભાગી ગયો. આરોપીની ઓળખ રાજેશ તરીકે થઈ છે, જ્યારે મૃતકનું નામ પ્રમોદ કુમાર શુક્લા જણાવવામાં આવી રહ્યું છે. હત્યા ૧૭ જાન્યુઆરીના રોજ થઈ હતી, જેની જાણ પોલીસને ૧૯ જાન્યુઆરીએ થઈ હતી. પોલીસે એક સપ્તાહ સુધી તપાસ હાથ ધરીને રાજેશને પટનાથી અરેસ્ટ કર્યો.
૧૭ જાન્યુઆરીએ રાજેશે પ્રમોદની હત્યા કર્યા બાદ તેના ખિસ્સામાંથી ૧૮,૫૦૦ રૂપિયા અને તેનો કીપેડ મોબાઈલ કાઢ્યો. તેણે મોબાઈલ જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર ૪૦૦ રૂપિયામાં વેચી દીધો. તે પછી ટ્રેનમાં બેસીને તે પંજાબનાં અમૃતસર પહોંચ્યો. અમૃતસર પહોંચ્યા પછી તેણે પ્રમોદના રૂપિયાથી ૧૦ હજાર રૂપિયામાં એક મોબાઈલ ખરીદ્યો.૧૯ જાન્યુઆરીએ પોલીસને ઘટનાની જાણકારી મળી. દિલ્હીના ડીસીપી મનોજ કુમાર મીણાએ જણાવ્યું કે કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશનને જાણકારી મળી કે ડીડીએ પાર્ક, મોરી ગેટમાં અવાવરું જગ્યાએ એક મૃતદેહ પડ્યો છે અને તેના ચહેરાને છૂંદી નાખવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે મૃતદેહના ચહેરા પર લોહી હતુ અને તેની આંખમાં ઈજા પહોંચી હતી. ત્યાં જ, શરીરની ચારેય બાજુ લોહી હતું. પોલીસે આઇપીસી કલમ ૩૦૨ હેઠળ મામલો નોંધીને ગુનેગારને શોધવા માટે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસે સૌથી પહેલાં ઘટનાસ્થળ પાસે ૫૦થી વધારે સીસીટીવી કેમેરાના રેકોર્ડ જોયા, પરંતુ અહીંથી કોઈ સુરાગ મળ્યો નહીં. તે પછી પોલીસે પ્રમોદના મોબાઈલ ફોનનો આઇએમઇઆઇ નંબર શોધી કાઢ્યો, જેમાંથી તેમને એક મોબાઈલ નંબર મળ્યો, જે ક્યારેક-ક્યારેક ઉપયોગમાં લેવામાં આવતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ નંબર બિહારના મધેપુરાના રહેનાર રાજેશ સાથે જોડાયેલો હતો.
આ દરમિયાન એક વ્યક્તિ પણ સામે આવ્યો, જેણે જણાવ્યું કે પ્રમોદને છેલ્લીવાર રાજેશ સાથે જોવામાં આવ્યો હતો. તે પછી પોલીસને જાણવા મળ્યું કે રાજેશ અને પ્રમોદ મિત્ર હતા અને દિલ્હીના મોરી ગેટ પર ખોયા મંડી પાસે સ્થિત રૈન બસેરામાં એક સાથે રહેતા હતા.પોલીસને ટેક્નિકલ સવલન્સની મદદથી રાજેશના મોબાઈલ નંબરની જાણકારી મેળવી. આ નંબરનું લોકેશન ટ્રેસ થયું તો પટનાનું લોકેશન આવ્યું. પોલીસે ૨૬ જાન્યુઆરીએ રાજેશને પટનાથી પકડી પાડ્યો. તે પછી તેને કાશ્મીરી ગેટ થાણા લાવીને પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન, રાજેશે કબૂલ કર્યું કે પ્રમોદ તેનો મિત્ર હતો અને તે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું સેક્સ કરવાનું દબાણ કરતો હતો. રાજેશે જણાવ્યું કે ૧૭ જાન્યુઆરીએ તે પ્રમોદ સાથે ડીડીએ પાર્કમાં અવાવરું જગ્યાએ બીયર પી રહ્યો હતો. અહીં પ્રમોદે ફરીથી તેના ઉપર દબાણ કર્યું. અહીં બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો અને રાજેશે પ્રમોદની હત્યા કરી દીધી.