જામનગર, જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આજે સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં એક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ૫૧ વર્ષના સાયકલ સવાર શ્રમિકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવી ચગદી નાખતાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું છે. બનાવની સમગ્ર મામલે પોલીસ તપાસ થઈ રહી છે.
મળતી વિગતો મુજબ, મૂળ મુંબઈના વતની અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા રાકેશભાઈ વિનોદભાઈ મોદી (ઉંમર ૫૧), જેઓ આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં પોતાની સાયકલ લઈને ઠેબા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની સાઇકલને ટક્કર મારતી સાયકલ સવાર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. બાદમાં તેમને સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળે કમકાટીભર્યું મોત થયું હતું. આ અકસ્માતના બનાવ પછી અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ભાગી છૂટયો હતો.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને રાકેશભાઈના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.