ગાંધીનગર, આ દિવસોમાં ભાજપ કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બનાવવાની જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ પાર્ટીના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં અનેક નવા પ્રયોગોની તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટીએ લોક્સભા ચૂંટણી પહેલા રાજ્યની તમામ ૨૬ લોક્સભા સીટો માટે ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે. આ સિવાય રાજ્યમાં પાર્ટી દ્વારા ત્રણથી ચાર મોટા નિર્ણયોના અમલીકરણની જોરદાર ચર્ચા છે. સૂત્રોનું માનીએ તો, પાર્ટી લોક્સભાના ૨૬માંથી ૨૦ સાંસદોનું પુનરાવર્તન નહીં કરે. ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓને ૨૦૨૪ની ચૂંટણીમાં ચોથી વખત ટિકિટ મળવાની શક્યતા નથી. આ સિવાય પાર્ટી ૬૫ વર્ષથી વધુ ઉંમરના સાંસદોને રિપીટ કરવાના મૂડમાં નથી. આ બે માપદંડો પર પાર્ટીના લગભગ ૨૦ સાંસદોની ટિકિટ રિપીટ ન થાય તેવી શક્યતાઓ છે.
સંસદમાં ૩૩ ટકા મહિલા અનામતને મંજૂરી આપ્યા બાદ પાર્ટી તેની શરૂઆત ગુજરાતમાંથી કરવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી ૨૦૨૪ની ચૂંટણીમાં ૯ મહિલાને ઉમેદવાર બનાવી શકે છે. હાલમાં પાર્ટીના કુલ ૨૬ સાંસદોમાંથી ૬ મહિલાઓ છે. જો આમ થશે તો ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યથી મોટી શરૂઆત કરશે. આવી સ્થિતિમાં ઘણી વધુ મહિલા નેતાઓને સાંસદ બનવાની તક મળી શકે છે. રાજ્યની ગાંધીનગર લોક્સભા બેઠક સિવાયની તમામ બેઠકો પર કોણ ઉમેદવાર હશે? તે ચોક્કસ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી બીજી વખત ચૂંટણી લડશે તે નિશ્ર્ચિત મનાય છે. એવી પણ ચર્ચા છે કે અત્યાર સુધી સંસદમાં રહેલા ઘણા મોટા નેતાઓ રાજ્યસભા દ્વારા હતા. પાર્ટી તેમને ચૂંટણી લડાવી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી મહિનાની ૨૭મી તારીખે ચૂંટણી યોજાશે. પરિસ્થિતિ સ્પષ્ટ થવાની અપેક્ષા છે.