નિર્દોષ બાળકોના મોતની દુર્ઘટના સર્જાયા બાદ જાગવાની વાત ચાલે જ નહીં : ગુજરાત હાઇકોર્ટ

વડોદરા, વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના કરૂણ મોતની દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટની સુનાવણીમાં આજે સરકાર દ્વારા રજૂ કરાયેલા બચાવ અને રિપોર્ટને હાઇકોર્ટે વાહિયાત ગણાવ્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે રાજય સરકાર, વડોદરા મનપા સહિતના સત્તાવાળાઓ અને કોન્ટ્રાકટરને વેધક સવાલ કર્યા હતા અને તેમનો ઉધડો લેતાં જણાવ્યું હતું કે, શું કોર્પોરેશન સત્તાવાળાઓ કોન્ટ્રાક્ટ આપીને સૂઇ જાય છે…? દુર્ઘટના થયા બાદ જ કેમ સત્તાધીશો નિંદ્રામાંથી જાગે છે..? હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે, પરંતુ વડોદરા મનપા અને સરકારના સત્તાવાળાઓની જવાબદારી નિર્ધારિત થવી જોઇએ. બનાવ બન્યો પછી લેવાયેલા સુધારાત્મક પગલામાં અદાલતને કોઇ રસ નથી પરંતુ બનાવ બન્યો તે પહેલાં ચેક એન્ડ બેલેન્સીસ માટે શું પગલાં કે તકેદારી રખાયા હતા તેનો ખુલાસો વીએમસીએ કરવો પડશે.

હાઇકોર્ટે આવી દુર્ઘટનાઓ ફરી ના બને તે માટે સરકારે એક ચોક્કસ પોલિસી અમલી બનાવવી જોઇએ તેવી વાત પણ સરકારને સૂચવી હતી. હાઇકોર્ટે બાળકોની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી રાજયની તમામ શાળાઓને બાળકોની સલામતીને લઇ સૂચના જારી કરવા રાજય સરકારને બહુ મહત્ત્વનો નિર્દેશ કર્યો હતો. તો, હાઇકોર્ટે વીએમસીને નોટિસ જારી કરી આગામી ત્રણ સપ્તાહમાં આ સમગ્ર કેસમાં વિગતવાર ખુલાસા સાથેનો જવાબ રજૂ કરવા રાજય સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે આજે કેસની સુનાવણી દરમ્યાન રાજય સરકાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, કોન્ટ્રાકટર અને સંબંધિત સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી. ખાસ તો, હાઇકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લેતાં જણાવ્યું કે, શું કોર્પોરેશન આવા કોન્ટ્રાકટ આપીને નિંદ્રાધીન બની જાય છે..? નિર્દોષ બાળકોના મોતની દુર્ઘટના ઘટી જાય પછી સફાળા જાગવાની વાત કોઇપણ સંજોગોમાં ચાલે નહી. આ બીજું કંઇ નહી પરંતુ અદાલતની આંખમાં ધૂળ નાંખવા સમાન છે. આ કેસમાં કોન્ટ્રાકટર હોય કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોઇપણ પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહી. કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે, વાસ્તવમાં અધિકારીઓ પણ એટલા જ જવાબદાર ઠરે છે. કોન્ટ્રાકટર અને સબ કોન્ટ્રાકટરની સાથે સાથે વીએમસીના સંબંધિત અધિકારીઓની જવાબદારી પણ કોર્ટે ઠરાવી હતી. આ કેસમાં માત્ર કોન્ટ્રાકટર જ નહી પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પણ પીડિત પરિવારોને વળતર ચૂકવવું પડશે. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, દુર્ઘટના ઘટના પછી તમે લીધેલા પગલાં અને સૂચનાઓ જારી કરી તેમાં અદાલતને કોઇ રસ નથી. દુર્ઘટના ઘટતા પહેલાં તમે આવા બનાવ ના બને માટે તમે શું કર્યું તેનો જવાબ અને ખુલાસો કરો કે તમે શું તકેદારી અને વ્યવસ્થા રાખી હતી..? દુર્ઘટના પરથી જ સ્પષ્ટ થાય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકારના સત્તાવાળાઓનું કોઇ સુુપરવીઝન જ ન હતું. હાઇકોર્ટે રાજય સરકાર સહિતના સત્તાવાળાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ સુઓમોટો માત્ર હરણી તળાવની દુર્ઘટના પૂરતી સીમિત નથી પરંતુ રાજયના તમામ તળાવો, જળાશયો અને સરોવરોની સ્થિતિને લઇને પણ કોર્ટ તપાસ કરાવશે.

કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ મહત્ત્વના મુદ્દાઓ પરત્વે અદાલતનું યાન દોર્યું કે, સરકારના સોગંદનામામાં કોઇ નવી વાત નથી, નદીની દુર્ઘટનાના સંબંધિત કેસ(મોરબી)નું સોગંદનામું ઉઠાવીને આ તળાવવાળા કેસમાં રજૂ કરી દીધુ છે, જેમાં નદી શબ્દ બદલવાનું પણ સરકારના સત્તાવાળાઓ ભૂલી ગયા છે. તો, આ પ્રકારની કેઝયુઅલ એફિડેવીટ ફાઇલ કરનાર સરકારના સત્તાવાળાઓ પાસે તમે શું અપેશા રાખી શકો..?પ્રસ્તુત કેસમાં સ્કૂલ પણ એટલી જ જવાબદાર છે તેણે ડીઇઓ અને શિક્ષણવિભાગને જાણ કરવી જોઇતી હતી. પ્રવાસ અને આવા કાર્યક્રમો વિશે શિક્ષણવિભાગને જાણ કરવાની સૂચનાઓનું કોઇ પાલન થતુ નથી. કોન્ટ્રાકટરે બેદરકારી દાખવી તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારની સુપરવીઝન કરનારી એજન્સીઓએ શું યાન રાખ્યું..? આ સમગ્ર કેસમાં સરકારના મળતીયાઓ અને સાંઠગાંઠ ધરાવતા લોકોને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે, તેથી હાઇકોર્ટે તેમને ટકોર કરી હતી કે, તમે આ કેસમાં રાજકીય રંગ આપવાનો પ્રયાસ ના કરશો. પ્રમુખે જણાવ્યું કે, તેઓ કોઇ રંગ આપવાનો પ્રયાસ નથી કરી રહ્યા, સત્ય જણાવે છે.ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે પોતાનો કડવો અનુભવ વર્ણવતાં જણાવ્યું કે, તાજેતરમાં જ તેઓ નળ સરોવર ખાતે ગયા હતા અને તેઓને પણ લાઇફ જેકેટ વિના જ પ્રવાસ કરાવાયો હતો. પણ હવે વડોદરા દુર્ઘટના બાદ તેમને ગંભીરતા સમજાય છે કે, અમને લાઇફ જેકેટ વિના લઇ જવાયા હતા, તેઓ ડૂબી પણ શકયા હોત. આવી ગંભીર ટકોર સાથે હાઇકોર્ટે રાજયના અન્ય જળાશયો, તળાવોની સ્થિતને લઇ ચિંતા વ્યક્ત કરી હતી.