જુનાગઢ તોડકાંડની તપાસ તેજ, ભોગ બનનારના અનફ્રીઝ એકાઉન્ડની બેંક પાસે માહિતી મંગાવાઇ

જૂનાગઢ, જુનાગઢ તોડકાંડમાં ગુજરાત એટીએસએ તપાસ તેજ કરી છે. એટીએસએ ભોગ બનનાર કાતક ભંડારીનું નિવેદન લીધુ છે. જેમાં તેમણે પૈસાની માગણી કરાઈ હોવાની વાત સ્વીકારી છે. ભોગ બનનાર કાતક ભંડારીના અનફ્રીઝ બેંક એકાઉન્ટની બેંક પાસે માહિતી માગવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાયા તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે. તેમજ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા પાછળના કારણની વિગત પણ બેંક પાસે મગાવાઈ છે. આ તોડકાંડમાં બેંકના અધિકારીઓની સંડોવણીની પણ આશંકા સેવાઈ રહી છે ત્યારે ડીઆઈજી દીપેન ભદ્રનના સુપરવિઝનમાં સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.

જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર (સીપીઆઇ) તરલ ભટ્ટ, એસઓજીના પોલીસ એ.એમ ગોહિલ અને એએસઆઇ દીપક જાનીની ત્રિપુટીએ આચરેલા ગુજરાત પોલીસના સૌથી મોટા તોડકાંડને લઈને ગુજરાત એટીએસ દ્વારા ડીઆઇજી દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે હાલ તમામ આરોપીઓ ફરાર હોવાથી તેમને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. એક્સાથે ૩૩૫ જેટલા બેંક એકાઉન્ટની તપાસ માટે શરૂ કરી છે જેમા બેંકના અધિકારીઓની પણ સંડોવણીની આશંકા છે.

આ તરફ તોડકાંડના માસ્ટર માઈન્ડ સીપીઆઇ તરલ ભટ્ટ વિદેશ ફરાર થઈ ગયા હોવાની પણ આશંકા છે. સૂત્રોના દાવા મુજબ માધુપુરાના સટ્ટાકાંડ સમયે દુબઈમાં અનેક બુકીઓના સીધા સંપર્કમાં હતા. તેની મદદથી તરલ ભટ્ટ દુબઈ ફરાર થઈ ગયા હોવાની શક્યતા છે. જો કે પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરશે.