અમેરિકાએ ૨૦૨૩માં ૧૪ લાખથી વધુ ભારતીયોને વિઝા ઇશ્યૂ કરી રેકોર્ડ બનાવ્યો

નવીદિલ્હી, પાછલા વર્ષે એટલે કે ૨૦૨૩માં અમેરિકાએ રેકોર્ડ સંખ્યામાં ભારતીયોને વિઝા આપ્યા હતાં. ભારત ખાતેની અમેરિકન કોન્સ્યુલેટની કચેરીના જણાવ્યા અનુસાર પાછલા વર્ષે ૧૪ લાખ અમેરિકન વિઝા પ્રોસેસ કરવામાં આવ્યા હતાં.

આ દરમિયાન વિઝિટર વિઝા એપોઇન્ટમેન્ટ માટેના પ્રતીક્ષા સમયમાં પણ ૭૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકન દૂતાવાસે જણાવ્યું હતું કે વિશ્ર્વભરમાં અમેરિકન વિઝા ધરાવતાં દરેક ૧૦ લોકોમાંથી હવે એક વ્યક્તિ ભારતીય છે. ભારત ખાતેની કોન્સ્યુલેટ ટીમે ૨૦૨૩ દરમિયાન ૧.૪૦ લાખથી વધારે સ્ટુડન્ટ વિઝા પણ ઈશ્યૂ કર્યા હતાં. આ આંકડો પણ વિશ્ર્વના કોઇપણ દેશ કરતાં વધુ છે અને આવું સતત ત્રીજા વર્ષે થયું છે. મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નાઇ વિશ્ર્વભરમાં સ્ટુડન્ટ વિઝા પ્રોસેસિંગના મોરચે ટોચના ચાર કેન્દ્ર રહ્યા હતાં. તેને પરિણામે અમેરિકામાં રહીને અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે થઇ ગઇ છે. નોંધનીય છે કે અમેરિકામાં અભ્યાસ કરી રહેલાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ લાખ કરતાં પણ વધારે છે. અહેવાલો અનુસાર ૨૦૨૨ની તુલનામાં એપ્લિકેશનમાં ૬૦ ટકાનો વધારો નોંધાયો હતો. ગત વર્ષે તમામ વિઝા શ્રેણીમાં માંગ અભૂતપૂર્વ હતી.

એક રિપોર્ટ અનુસાર પાછલા વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર મહિના વચ્ચે અમેરિકા ખાતે ભારતીય પર્યટકો દ્વારા કરવામાં આવેલા ખર્ચમાં પાછલા વર્ષની તુલનાએ લગભગ ૩૦ ટકાનો વધારો નોંધાયો હતો. અહેવાલો અનુસાર આના માટે વિઝા પ્રોસેસમાં ઝડપ, લાઇટ્સની વધુ સારી કનેક્ટિવિટી અને ભોજન, ખેલ, અન્ય એક્ટિવિટી જેવા નવા પર્યટન વિકલ્પોના કારણે થયું છે. આ સાથે અમેરિકા માટે પર્યટક દેશોની યાદીમાં ભારત હવે પાંચમા સ્થાન પર આવી ગયું છે. અમેરિકા આવતાં પર્યટકોના મામલે ભારત વિશ્ર્વનો પાંચમો સૌથી મોટો દેશ બની ગયો છે.

અમેરિકન એમ્બેસીએ જણાવ્યું હતું કે પાછલા વર્ષે વિઝિટર વિઝા માટેની અરજીમાં જબ્બર ઉછાળો આવ્યો હતો અને યુએસ મિશનના ઈતિહાસમાં બીજો સૌથી મોટો આંક- સાત લાખ કરતાં વધારે નોંધાવ્યો હતો. યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટે ગત વર્ષની શરૂઆતમાં ત્રણ મહિના માટે સ્ટાફમાં વધારા મારફત આ માંગને પહોંચી વળવામાં આવી હતી. વિઝિટર વિઝા માટેના એપોઇન્ટમેન્ટ ટાઇમને સમગ્ર દેશમાં સરેરાશ ૧૦૦૦ દિવસથી ઘટાડીને ૨૫૦ દિવસ પર લાવી દેવાયો છે.