નવીદિલ્હી, ભારતીય નૌસેનાએ ૨૪ કલાકમાં બીજું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. હવે ભારતીય નૌકાદળે સોમાલિયાના ૧૧ ચાંચિયાઓના કબજામાંથી પાકિસ્તાનના ૧૯ નાગરિકોને બચાવ્યા છે. મંગળવારે, ભારતીય નૌકાદળે માહિતી આપી હતી કે તેમના જહાજ સુમિત્રાએ, માછીમારી કરતા ઈરાનના જહાજ એફવી અલ નૈમી પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય નૌકાદળના સૈનિકોએ સોમાલિયાના ઈસ્ટ કોસ્ટમાં આ એન્ટી-પાયરસી ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ, ભારતીય નૌકાદળે એફવી ઈમાન પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
ભારતીય નૌકાદળના પ્રવક્તાએ ટ્વિટર પર લખ્યું, “આઈએનએસ સુમિત્રાએ માછીમારીના જહાજ અલ નૈમી પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને ૧૯ પાકિસ્તાની ક્રૂ સભ્યોને ૧૧ સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા છે.” એડનની ખાડીમાં કોચીના દરિયાકાંઠે આ કાર્યવાહી કરવામાં આવી છે. ૨૮ જાન્યુઆરીના રોજ, ઈરાની વજવાળા માછીમારી જહાજના અપહરણ વિશે માહિતી પ્રાપ્ત થઈ હતી. જે બાદ ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ આગેવાની લીધી અને ૧૯ પાકિસ્તાની નાગરિકોને લઈને જતા જહાજને બચાવી લીધું, જેને સોમાલિયાના પૂર્વ કિનારે સશ સોમાલી ચાંચિયાઓએ હાઈજેક કર્યું હતું.