ગોધરા શહેરના પોલન બજારમાં ચા પીવા આવેલા વ્યક્તિના ઘર પર લાગેલા સીસીટીવી હટાવવાની અદાવતે ત્રણ ઈસમો દ્વારા તલવાર અને લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે બી-ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે ત્રણેય ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા જૂના અનાજ ગોડાઉન પાસે રહેતા રફીક મોહમ્મદ હનીફ ચૂચલા ઉર્ફે ભાગલિયાએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 13 તારીખે શનિવારના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં તેઓના ભાઈ મોહસીનભાઈ પોલન બજારમાં આવેલી સુખી ચોકડી પાસે ચાની લારી પર ચા પીવા ગયા હતા. ત્યારે સરફરાઝ એહમદ હુસેન ગાજી ઉર્ફે બચૂલા શેઠ, અનવર બશીર હયાત અને જુનેદ સુલેમાન ભાગલીયા ઉર્ફે ઢેલા નામના ત્રણ ઈસમો પોતાના હાથમાં તલવાર અને લોખંડની પાઇપ લઈને આવ્યા હતા.
ત્રણેય ઈસમોએ મોહસીનને જણાવ્યું હતું કે, હયાતની વાડી વિસ્તારમાં આવેલા આદમ મસ્જિદ પાસે રહેતા તારા ફોઈના દીકરા મોહસીન અબ્દુલગની ધંતયાના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરા તું કેમ હટાવવા દેતો નથી. આજે તો તને મારી જ નાખવાનો છે, તને જીવતા રહેવા દેવાનો નથી. બાદમાં અપશબ્દો બોલીને સરફરાઝ એહમદ હુસેન ગાજીએ તેના હાથમાં રહેલી તલવાર મોહસીનને માથામાં મારવા જતા મોહસીને પોતાનો હાથ ઉગામી દેતા હાથમાં તલવાર વાગી હતી. જ્યારે અનવર બશીર હયાત અને જુનેદ સુલેમાન ભાગલીયાએ તેઓના હાથમાં રહેલી લોખંડની પાઇપ વડે મોહસીનને માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ત્રણેય ઈસમો લોખંડની પાઇપ અને તલવાર વડે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરતા ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે. જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બી-ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના આધારે માથાભારે ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.