ગોધરા, દિનેશ બારીઆ દ્વારા આજ રોજ શિક્ષણ કમિશ્નર, શિક્ષણ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને એક લેખીત રજુઆત કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે, સરકારી તંત્ર દ્વારા દ્વારા છાસ વારે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવાનું આયોજન થતું હોય છે. જેમાં સરકાર કે શાસન વિભાગમાંથી મંત્રીઓ અને રાજકીય નેતાઓની હાજરી મુખ્ય હોય છે. આવા કાર્યક્રમો મોટે ભાગે ગ્રામિણ વિસ્તારોમાં પ્રાથમિક કે માધ્યમિક શાળાઓમાં ગોઠવવામાં આવતા હોય છે. શાળાઓમાં અપાતી સંચાલનની જવાબદારી સુવ્યવસ્થિત કરવાના હેતુથી શાળાઓમાં ઘણા દિવસોથી તૈયારી કરવામાં આવતી હોય છે. શાળાના શૈક્ષણિક કર્મચારીઓ અને બાળકો જોડાતા શૈક્ષણિક કાર્ય ખોરંભે પડે અને શૈક્ષણિક કાર્યમાં મોટું નુકશાન થાય છે.
આધુનિક સમય જ્ઞાન યુગનો કહેવાય છે, તેથી શાળાનો અભ્યાસક્રમ પણ મોટો અને કઠીન છે અને આખા વર્ષ દરમિયાન 200 જેટલા શૈક્ષણિક દિવસો હોય છે. તેથી અભ્યાસક્રમ પણ પુરો થઇ શકતો નથી તેવું જાણવા મળે છે. ત્યારે બીજા આવા બિનજરૂરી સરકારી, રાજકીય કાર્યક્રમો ગોઠવાતા અભ્યાસક્રમ પર વધારે અસર પડે છે. તેથી માંગ કરવામાં આવી છે કે, રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને સરકારી કે રાજકીય કાર્યક્રમોથી દુર રાખવા જોઈએ. શાળાઓમાં માત્ર શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમત ગમત જેવા જરૂરી અને ઉપયોગી કાર્યો થવા જોઈએ. વૈજ્ઞાનિક, ઐતિહાસિક, કાયદાકીય, સ્વાસ્થ્ય લક્ષી, માર્ગદર્શન અને જાણકારી આપતાં કાર્યક્રમ થાય એ જરૂરી છે. સરકારી યોજનાઓની બાળકોને તટસ્થ સમજ હોતી નથી તથા તેઓ પ્રચારક પણ હોતા નથી આથી આવા કાર્યક્રમો તેમના માટે બિનજરૂરી છે અને સાથે સાથે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડે, સાતત્ય તુટે તેથી શિક્ષણ અને મન પર અસર પડે છે. આથી બિનજરૂરી કાર્યક્રમો ન રાખવા અંગેની રજુઆત દિનેશ બારીઆ દ્વારા ગુજરાત રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ ના શૈક્ષણિક હિત માટે કરવામાં આવી છે.