260 અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યવાહીમાં સામેલ થયા, દરોડા માટે 120થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યોકેન્દ્રીય તપાસ એજન્સી ઈડી બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્શનમાં છે. આઈટી વિભાગને બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાંથી પણ મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે.
મહારાષ્ટ્રના જાલના ખાતે સ્ટીલ, કાપડના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપરની ઓફિસ, ફેક્ટરી તથા ઘર સહિતના સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ હાથ લાગી છે. આવકવેરા વિભાગે આશરે 390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે જેમાં 32 કિગ્રા સોનું, હીરા-મોતીના દાગીના, અનેક પ્રોપર્ટીના દસ્તાવેજો સહિત 58 કરોડ રૂપિયાની રોકડનો સમાવેશ થાય છે.
કોને લેવાયા ટાંચમાં
આવકવેરા વિભાગે ઘનશ્યામ ગોયલની માલિકીની કાલિકા સ્ટીલ અને સાઈ રામ સ્ટીલ તથા પ્રિટી સ્ટીલ કંપનીને સપાટામાં લીધી છે.
રાજ્યના 260થી વધુ અધિકારી-કર્મચારીઓ દ્વારા ઓપરેશન
દરોડા દરમિયાન મળેલી રોકડને ગણવા માટે આશરે 13 કલાક જેટલો સમય લાગ્યો હતો. આવકવેરા વિભાગે 1થી 8 ઓગષ્ટ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. આઈટીની નાસિક બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યના 260 અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યવાહીમાં સામેલ થયા હતા. આઈટી વિભાગના કર્મચારીઓ 5 ટીમમાં વહેંચાઈ ગયા હતા અને દરોડા માટે 120થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આવકવેરા વિભાગની ચતુરાઈ
આવકવેરા વિભાગની ટીમોએ તેમના વાહનો પર ‘દુલ્હન હમ લે જાયેંગે’ તેવા સ્ટીકર લગાવ્યા હતા. તેના કારણે લોકોને લાગ્યું હતું કે આ કોઈ લગ્ન પ્રસંગે જઈ રહેલી ગાડીઓ છે અને કોઈને આવકવેરાની ટીમો હોવાની શંકા નહોતી ગઈ.
કાપડ અને સ્ટીલના વેપારીના ઘરેથી મળી આવેલી નોટોને જાલનાની સ્થાનિક સ્ટેટ બેંકની શાખામાં લઈ જવામાં આવી હતી અને તેની ગણતરી કરવામાં આવી હતી. સવારે 11:00 વાગ્યાથી રોકડની ગણતરી શરૂ થઈ હતી જે રાત્રે લગભગ 1:00 વાગ્યા સુધી ચાલી હતી.
આઈટીની ટીમને ઘરમાં કંઈ નહોતું મળ્યું પરંતુ શહેરની બહાર ફાર્મહાઉસમાંથી રોકડ, સોનું અને હીરા સહિતના અનેક દસ્તાવેજ મળી આવ્યા હતા.
બંગાળ અને યુપીમાં કાર્યવાહી
અગાઉ ઈડીની કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની ગણાતી અર્પિતા મુખર્જીના ખરેથી આશરે 50 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તે સિવાય પણ અનેક સંપત્તિઓ ટાંચમાં લેવામાં આવી હતી.
જ્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પીયૂષ જૈનના ઘરેથી દરોડા દરમિયાન 197 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા અને કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતી અન્ય સંપત્તિઓ પણ ટાંચમાં લેવામાં આવી હતી.