ઘણા લાંબા સમયથી બિહારમાં જ્યાં સુધી કોઈ રાજકીય દળ અન્ય પાર્ટીનું સમર્થન ન કરે ત્યાં સુધી સરકાર ન બની શકે તેવી સ્થિતિ રહી છે. નીતીશની પાસે પોતાની પાર્ટી માટે મોટો અને સ્પષ્ટ જનાધાર મળતો નથી પણ તેઓ જ્યારે બીજી પાર્ટીને સમર્થન આપે છે તો એના મતદારો પણ એમની સાથે હોય છે. જાતિનું રાજકારણ એટલી હદે પ્રબળ બની ગયું છે અને જાતિની વસ્તીગણતરી બાદ દરેક જાતિને પોતાનું પ્રતિનિધિત્વ દેખાઈ રહ્યું છે. તેમાં નીતીશ કુમાર – આરજેડી માટે અને ભાજપ માટે પણ એમ બન્ને તરફ બારી ખુલ્લી રાખી સફળ શાશન કરી રહ્યા છે. જ્યારે તેમને આરજેડી સાથે તકલીફ પડે છે ત્યારે તેઓ ભાજપની સાથે સરકાર બનાવે છે અને જ્યારે ભાજપ સાથે મુશ્કેલીઓ વધે તો ફરી આરજેડી સાથે સરકાર બનાવે છે.
નીતીશકુમારે પોતાની રાજકીય યાત્રાની શરૃઆત લાલુ યાદવ અને જ્યૉર્જ ફર્નાન્ડીસ સાથે કરી હતી. લાલુપ્રસાદ યાદવ જ્યારે ૧૯૯૦માં બિહારના મુખ્ય મંત્રી બન્યા ત્યારે નીતીશકુમાર તેમના મહત્ત્વના સહયોગી હતા. જોકે, જ્યૉર્જ ફર્નાન્ડીસ સાથે તેમણે ૧૯૯૪માં સમતા પાર્ટીની સ્થાપના કરી. વર્ષ ૧૯૯૫માં પહેલી વખત નીતીશકુમારની સમતા પાર્ટીએ લાલુ યાદવની સરકારને ’જંગલરાજ’નો મુદ્દો બનાવ્યો હતો. આ મુદ્દા પર વિપક્ષે ૨૦૦૦ અને ૨૦૦૫માં બિહારની વિધાનસભાની ચૂંટણીઓ લડી. નીતીશકુમારના નેતૃત્વમાં ૨૦૦૫માં સરકાર બની. વર્ષ ૨૦૦૫-૨૦૧૦ વચ્ચે તેમણે જે કામ કર્યું તેને કારણે રાજ્યમાં તેમની નામના વધી. કોઈ પણ જાતિ, સમુદાય, પાર્ટી કે સમાજ હોય- તેઓ ૧૨થી ૧૩ ટકા વોટ લાવે છે. ડાબેરી વિચારધારાના કેટલાય લોકો આ કારણે નીતીશકુમારની સાથે ગયા. લાલુની વિરુદ્ધ એક વિકલ્પ બનવાને કારણે તેમને જે જગ્યા મળી તે આજે પણ યથાવત્ છે. સરકારનાં વર્ષોમાં ’ઈમાનદાર’ અને ’સુશાસન બાબુ’ની છબી ધરાવનાર નીતીશકુમાર પોતાને લાલુ યાદવની વિરુદ્ધ એક સશક્ત વિકલ્પ આપવામાં સફળ રહ્યા. નીતીશકુમારે બિહારના સૌથી પછાત સમુદાય અને દલિતોને ભેગા કરીને એક મોટી વોટબૅક્ધ બનાવી અને આ તેણે સતત તેમનો સાથ આપ્યો.
નીતીશકુમારે વર્ષ ૨૦૦૭માં દલિતોમાં પણ અતિ પછાત જાતિઓ માટે ’મહાદલિત કૅટેગરી’ બનાવી હતી. તેમણે આ જાતિઓ માટે સરકારી યોજનાઓ બનાવી. નીતીશ પોતે પણ કુર્મી જાતિમાંથી આવે છે. હાલમાં, નીતીશકુમાર આરજેડી અને કૉંગ્રેસની સાથે મહાગઠબંધનનો એક ભાગ છે. મીડિયા અહેવાલોમાં તો નીતીશકુમાર ભાજપની સાથે સરકાર બનાવશે તેવી પણ અટકળો ચાલી છે. મુખ્ય મંત્રી અને જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના પ્રમુખ નીતીશકુમાર રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કૉંગ્રેસ સાથે મહાગઠબંધનને છોડીને ફરીથી એનડીએમાં જઈ શકે છે. મીડિયામાં કેટલાક દિવસોથી એ વાત ચાલી રહી છે કે નીતીશકુમાર નારાજ હતા, કારણ કે તેમને ઇન્ડિયા ગઠબંધનનો મુખ્ય ચહેરો ન બનાવાયો. ગઠબંધનના ભાગીદારો વચ્ચે બેઠકો અંગે સંકલનમાં વિલંબ એ તેમની નારાજગીનું બીજું કારણ હતું.
નીતીશકુમાર ૨૦૧૪ની લોક્સભાની ચૂંટણી પહેલાં ૨૦૧૩માં એનડીએથી અલગ થયા હતા. ત્યાર પછી તેમણે કૉંગ્રેસ અને આરજેડી સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું. વર્ષ ૨૦૧૭માં તેઓ મહાગઠબંધન સાથે છેડો ફાડીને ફરીથી એનડીએમાં સામેલ થયા. જોકે, તેમણે ફરીથી એનડીએ સાથે ગઠબંધન તોડીને ફરી પાછી મહાગઠબંધનમાં વાપસી કરી. હવે, ફરી એક વાર તેમની એનડીએમાં વાપસીની અટકળો લાગી રહી છે. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણી ભાજપ સાથે ગઠબંધનમાં લડી અને ૧૭ સીટો પર પોતાના ઉમેદવારો ઊભા કર્યા હતા. ઇન્ડિયા મહાગઠબંધનના સહયોગીઓ વચ્ચેની ખેંચતાણને કારણે પણ નીતીશ ખુશ ન હતા. તેમનું એવું માનવું હતું કે બેઠકો પર સંકલનનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. હાલમાં જ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ લોક્સભાની ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને એક સંકેત તરીકે જોવાઈ કે વિપક્ષી દળોના ગઠબંધનમાં બધું બરોબર નથી. વિપક્ષની સામે ક્સોટી છે કે કેવી રીતે ભાજપને સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતતા રોકવામાં આવે અને બધા જ સર્વેક્ષણ કહે છે વડા પ્રધાન દેશના સૌથી વધુ લોકપ્રિય નેતા છે. અહીં ભાજપને એક ફાયદો એ છે કે જો તેમની ફરી બિહારમાં સત્તામાં આવી જાય તો લોક્સભાની ચૂંટણી તેમના શાસનકાળમાં થશે, જેનો પાર્ટીને લાભ મળી શકે છે. આ ઉપરાંત નીતીશકુમારનું સમર્થન ભાજપ માટે એટલા માટે મહત્ત્વનું છે કે બિહારમાં તેમની પાસે કોઈ મોટો ચહેરો નથી.