ગાઝા, ગત વર્ષે સાત ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર થયેલા હમાસના આતંકી હુમલામાં સંયુક્ત રાષ્ટ્ર રાહત અને કાર્ય એજન્સીના કર્મચારીઓ પણ સામેલ હતા અને તેમણે આતંકીઓની મદદ કરી હતી એવો ગંભીર આરોપ ઈઝરાયેલે લગાવતા હંગામો મચી ગયો છે. ત્યારબાદ ૯ જેટલા દેશોએ એજન્સીને અપાતા ફંડ પર રોક લગાવી છે. આરોપો બાદ યુએનએ સંબંધિત કર્મચારીઓને બરતરફ કર્યા છે.
ઈઝરાયેલે કહ્યું કે એજન્સીના ૧૨ કર્મચારીઓએ હમાસના હમલામાં તેમને સાથ આપ્યો હતો. આ એજન્સી ગાઝા, વેસ્ટ બેંક, સીરિયા, જોર્ડન અને લેબનોનમાં ૬૦ લાખ લોકોને મદદ કરી રહી છે. તેનું કામ સંઘર્ષ પ્રભાવિત લોકોને માનવીય મદદ, રાહતનો સામાન વગેરે પહોંચાડવાનું છે. ઈઝરાયેલના આ ખુબ જ ગંભીર આરોપ બાદ અમેરિકા, બ્રિટન, ફિનલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા,ઈટાલી, જર્મની, સ્વિટર્ઝલેન્ડ સહિત ૯ દેશોએ હાલ યુએનઆરડબ્લ્યુએને ફંડ આપવા પર રોક લગાવવાની જાહેરાત કરી છે.
ઈઝરાયેલે કહ્યું કે તે ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર માનવીય સહાયતા એજન્સીને કામ કરવા દેશે નહીં. તેણે આરોપી કર્મચારીઓને બરતરફ કરનારી એજન્સીના પ્રમુખ ફિલિપ લાઝરિની પાસે રાજીનામાની માંગણી કરી છે. ઈઝરાયેલના વિદેશમંત્રી કાટ્ઝે ફંડિંગ બધ થવા પર ખુશી જતાવતા કહ્યું કે ગાઝાના પુર્નનિર્માણ માટે એજન્સીને સાચે જ શાંતિ અને વિકાસ માટે સમપત એજન્સીઓ જોડે રિપ્લેસ ક રવી જોઈએ.યુએનઆરડબ્લ્યુએએ કહ્યું કે અમે આરોપી કર્મચારીઓને બરતરફ કરી નાખ્યા છે, અમે આરોપોની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. યુએનઆરડબ્લ્યુએ પર આરોપ લગાવવાની હમાસે ટીકા કરી છે. તેણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ઈઝરાયેલના જોખમો અને દબાણ આગળ ઝૂકવું જોઈએ નહીં.
યુએનઆરડબ્લ્યુએના આયુક્ત જનરલ ફિલિપ લાઝારિનીએ કહ્યું કે નવ દેશોના નિર્ણયથી સમગ્ર ક્ષેત્રમાં ખાસ કરીને ગાઝારમાં તેમના માનવીય કાર્યોને ખુબ જોખમ છે. કર્મચારીઓના એક નાનકડા સમૂહ વિરુદ્ધ આરોપોની પ્રતિક્રિયામાં એજન્સીને ફંડિંગ બંધ કરવું એ ચોંકાવનારું છે. અમે પહેલા પણ આવા આરોપોને ફગાવતા રહ્યા ચીએ. સમગ્ર મામલે પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે ઈઝરાયેલની ટીકા કરી છે. પેલેસ્ટાઈન ઓથોરિટીએ ફંડિંગ રોકવાનો નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર સંબંધિત માનવીય મદદ એજન્સી ગાઝામાં શરણાર્થી શિબિરો પર હુમલા અંગે સતત ઈઝરાયેલની ટીકા કરતી રહી છે. ગાઝામાં માનવીય મદદને લઈને બંને પક્ષોમાં લાંબા સમયથી સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. હાલના દિવસોમાં સંઘર્ષ વચ્ચે બંનેમાં તણાવ વયો છે. એજન્સીએ તાજેતરમાં એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ઈઝાયેલ શરણાર્થી શિબિરો પર હુમલો કરીને આંતરરાષ્ટ્રીય તથા માનવીય કાયદાને અવગણી રહ્યું છે.