મુંબઇ, સલમાન ખાનના ચચત અને વિવાદિત રિયાલિટી શો બિગ બોસ ની ૧૭ મી સીઝન પૂરી થઈ છે. આ વખતે પણ બિગ બોસ જોઈને દર્શકોનું ભરપૂર મનોરંજન થયું છે. આ સિઝનમાં હસી મજાકની સાથે લોકોએ લડાઈ ઝઘડા પણ ખૂબ જોયા છે. રવિવારે આ શોનું ગ્રાન્ડ ફિનાલે હતું. બિગ બોસની આ સીઝનમાં ૧૭ લોકોની એન્ટ્રી બિગ બોસ હાઉસમાં થઈ હતી. જેમાંથી શો મુનવ્વર ફારુકીએ જીત્યો છે.
બિગ બોસના ઘરમાં આવેલા ૧૭ લોકોમાંથી ફિનાલે સુધી પાંચ ફાઈનલિસ્ટ બાકી રહ્યા હતા. પાંચમાંથી પણ ટ્રોફી માટે બે દાવેદાર વચ્ચે સ્પર્ધા હતી. જેમાં મુનવ્વર ફારુકી અને અભિષેક કુમાર છેલ્લે સુધી હતા. પરંતુ જનતાના વોટના આધારે શો મુનવ્વર ફારૂકીએ જીત્યો છે અને અભિષેક કુમાર રનરઅપ બન્યો છે.
બિગ બોસ ૧૭ ના ટાઇટલની સાથે મુનવ્વર ફારૂકીને એક કાર અને ૫૦ લાખની પ્રાઈઝ મની પણ મળી છે. શોના ફિનાલે સુધી પહોંચનાર પાંચ ફાઈનલિસ્ટ ની વાત કરીએ તો આ લિસ્ટમાં મનારા ચોપડા, અભિષેક કુમાર, મુનવ્વર ફારુકી. અંક્તિા લોખંડે અને અરુણ મહાશેટ્ટીનો સમાવેશ થાય છે. જેમાંથી પણ અરુણ મહાશેટ્ટી, મનારા ચોપડા અને અંક્તિા લોખંડે આઉટ થઈ ગયા હતા.
બિગ બોસ ૧૭ નું ટાઈટલ જીતનાર મુનવ્વર ફારૂકી જાણીતો સ્ટેન્ડ અપ કોમેડિયન છે. બિગ બોસ પહેલા મુનવ્વર કંગના રનૌતના રિયાલિટી શો લોક અપનો પણ વિનર બની ચૂક્યો છે. મુનવ્વર ફારુકી અનેક વિવાદમાં પણ રહ્યો છે. તેનું નામ સૌથી પહેલા હૈદરાબાદમાં થયેલા એક કોમેડી શોના કારણે ચર્ચામાં આવ્યું હતું.