સંજેલી, મેથાણ ગામે રહેતા કલ્પેશભાઈ નાયકા અને કાકાનો દિકરો નગીન નાયક સ્પ્લેન્ડર બાઈક લઈને સંજેલીથી મેથાણ તરફ જઈ રહ્યા હતા દરમિયાન પીછોડા ગામે સામેથી આવેલા પ્લેટિના બાઈક ચાલકે રોંગ સાઈડ આવી અને બાઈકને ટકકર મારતા અકસ્માતમાં કલ્પેશને ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નીપજયું હતુ. બનાવ સંદર્ભે મૃતકના પિતા ગોરધનભાઈ નાયકાએ ચાલક વિરુદ્ધ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સંજેલીથી ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સંજેલીથી પીછોડા લીમડા સુધી 5 કિ.મી.જેટલા માર્ગ પર સીંગલપટ્ટી માર્ગ હોવાના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાય છે. તેમજ કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. તાલુકા મથકનુ ગામ હોવા છતાં પણ આ પાંચ કિ.મી.સીંગલપટ્ટી હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પરથી સાંસદના નિવાસ્થાન સીંગવડ તેમજ દાસા તરફનો માર્ગ છે અને સંજેલીથી ગોધરા તરફ જવાનો મુખ્ય માર્ગ હોવા છતાં પણ આ માર્ગને ડબલપટ્ટી બનાવવામાં આવતો નથી.