અમેરિકાના બીજા સૌથી મોટા રાજ્ય ટેક્સાસે ઓપન બોર્ડર મુદ્દે બાયડેન સરકાર સામે મોરચો ખોલ્યો

વોશિગ્ટન, અમેરિકા-મેક્સિકો બોર્ડર પર નિયંત્રણને લઈને ટેક્સાસ અને બાયડેન સરકાર વચ્ચેની લડાઈ ઉગ્ર બની છે. અમેરિકાના બીજા સૌથી મોટા રાજ્ય ટેક્સાસે ઓપન બોર્ડર મુદ્દે બાયડેન સરકાર સામે મોરચો ખોલી નાખ્યો છે.

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જાહેરાત કરી છે કે તેઓ ઇમિગ્રન્ટ્સને રોકવા માટે વધુ કાંટાળી વાડ લગાવવાનો આદેશ આપી બાયડેન સરકાર અને અમેરિકી સુપ્રીમકોર્ટના આદેશની અવગણના કરશે. તેમાં અમેરિકાના લગભગ તમામ રિપબ્લિકન રાજ્યોના ગવર્નરો તેમને સમર્થન આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર શરણાર્થીઓ (ઈમિગ્રન્ટ્સ) આવવાનું ચાલુ છે. તેનાથી પરેશાન થઈને ટેક્સાસે બોર્ડર ક્રોસિંગ કરવાને ગેરકાયદેસર જાહેર કરતો કાયદો ઘડ્યો અને જેલની સજાની જોગવાઈ કરી દીધી. આ સાથે કાંટાળી તાર બાંધવાનો પણ આદેશ આપી દીધો. પરંતુ અમેરિકાની સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ લગાવી દીધો અને તેને ગેરકાયદેસર જાહેર કરી દીધો. સુપ્રીમ કોર્ટે એવો તર્ક આપયો કે વાડાબંધી કરવાથી પેટ્રોલિંગ કરવામાં અવરોધ પેદા થશે અને ઈમિગ્રન્ટ્સના જીવ જોખમમાં મૂકાશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ઈમિગ્રેશનનો મુદ્દો ફેડરલ સરકાર હેઠળ આવે છે. પરંતુ હવે ટેક્સાસે કહ્યું છે કે ફેડરલ કોર્ટનો નિર્ણય હવે પ્રવાસી નાગરિકોના કેસમાં લાગુ નહીં થાય. ટેક્સાસ રાજ્યએ બાયડેન સરકારના નિર્ણય સામે પોતાના સ્તરે રાજ્યની સરહદની સુરક્ષા કરવાનો નિર્ણય લીધો છે.

રસપ્રદ વાત એ છે કે આ મામલે ટેક્સાસ રાજ્યને અમેરિકાના અન્ય ૨૫ રાજ્યોનું સમર્થન મળી રહ્યું છે. લગભગ તમામ અમેરિકન રિપબ્લિકન ગવર્નરોએ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટને સરહદ નિયંત્રણ અંગેની ફેડરલ સરકાર સામેની તેમની લડાઈમાં સમર્થન આપતા નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે.

રિપબ્લિકન ગવર્નર્સ એસોસિએશનની વેબસાઇટ પર ગુરુવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં બાયડેન સરકારની ટીકા કરવામાં આવી હતી અને કહેવાયું હતું કે ટેક્સાસ રાજ્યને પોતાનો બચાવ કરવાનો બંધારણીય અધિકાર છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ અઠવાડિયે ટેક્સાસના અધિકારીઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી વચ્ચે રિયો ગ્રાન્ડેના કિનારે ઊભી કરાયેલી કાંટાળી વાડને લઇને વિવાદ થયો હતો. અમેરિકન સુપ્રીમકોર્ટે તેના પર ચુકાદો આપ્યો હતો કે ફેડરલ એજન્ટો લોકોને ક્રોસિંગ કરતા રોકવા માટે રાજ્યો દ્વારા મૂકવામાં આવેલા રેઝર વાયરને કાપી શકે છે. તેના પર ૨૫ રિપબ્લિકન રાજ્યોના ગવર્નરોએ કહ્યું છે કે તેઓ તેમના સાથી ગવર્નર ગ્રેગ એબોટ અને ટેક્સાસ રાજ્ય સાથે સરહદને સુરક્ષિત કરવા માટે રેઝર વાયર ફેન્સિંગ સહિત દરેક સાધન અને યુક્તિનો ઉપયોગ કરવા માટે તેમની સાથે એકજૂટતાથી ઊભા છે.