ગાયિકા ટેલર સ્વિટની ડીપફેકનો શિકાર થતાં હોલિવૂડમાં હંગામો

મુંબઇ, હૉલિવૂડ ગાયિકા ટેલર સ્વિટની ડીપફેક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હૉલિવૂડ જગતમાં હંગામો મચી ગયો છે. અમેરિકાની સંસદમાં પણ નેતાઓ ડીપફેક અંગે કાયદો બનાવવાની માગ કરી તેના વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.

આટફિશિયલ ઈન્ટેલિજન્સના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે. જેનો શિકાર હવે ભારત સહિત વિશ્ર્વભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો થઈ રહ્યા છે. ખાસ કરીને અભિનેત્રીઓ,ગાયિકાઓ વગેરે. ભારતમાં ડીપફેકની ઘટનાનો શિકાર જ્યારે અભિનેત્રી રશ્મિકા મંદાના બની ત્યારે લોકોની નજરમાં આવ્યો હતો. રશ્મિકા મંદાનાએ તેના વિરૂદ્ધ ઊભા રહી કાયદેસર કાર્યવાહી કરવા સહકાર આપ્યો હતો.

હૉલિવૂડ ગાયિકા ટેલર સ્વિટની આપત્તિજનક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. તેના ફેન્સે ડીપફેક અંગે અવાજ ઉઠાવી રહ્યા છે. આ પછી એક્સની ટીમે એક્શન લઈ આ ફોટા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે.

ફોટાઓ ભલે દૂર કરવામાં આવે પણ આનું મૂળ કારણ હજુ શોધાયું નથી. ડીપફેક ફોટાઓ પર કાયમ માટે મુક્તિ મળે, કોઈ તેનો ભોગ ન બને તે માટે અમેરિકામાં સંસદમાં પણ નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા છે. ડીપફેકને લઈ નવો કાયદો બનાવવાની માગ થઈ રહી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા કૈરિન જીન- પિયરેએ ડીપફેક ટેક્નોલોજીની સામે કડક કાયદો બનાવવાની માગ કરી ચિંતા વ્યક્ત કરી છે.

તેમના મતે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપત્તિજનક ફોટા અને ખોટી તેમજ ભ્રામક માહિતીઓથી બચવા કડક કાયદા બનાવવા પડશે. તો અન્ય નેતાએ ડીપફેકને ભયજનક બતાવ્યું છે.