
કોલ્લમ, કેરળમાં રાજ્યપાલ અને વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા હતા. ડાબેરી સંગઠન એસએફઆઇના કાર્યર્ક્તાઓ રાજ્યપાલ આરિફ મોહમ્મહ ખાન સામે કાળા વાવટા બતાવી ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. એવામાં રાજ્યપાલ આરિફ પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને ધરણા કરનારાઓને કહેવા લાગ્યા કે હટ હટ, બાદમાં ધરણા કરી રહેલા વિદ્યાર્થીઓની ધરપકડની માગ સાથે રાજ્યપાલ પણ ત્યાં જ ખુરશી લગાવીને તેના પર બેસી ગયા. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યપાલ આરિફને અપાયેલી સુરક્ષા વધારીને ઝેડ પ્લસ કરી દીધી છે.
કેરળના કોલ્લમમાંથી રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનો કાફલો પસાર થઇ રહ્યો હતો. તે જ સમયે રોડ પર એસએફઆઇ (સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા)ના સભ્યો આરિફ મોહમ્મદ ખાનને કાળા વાવટા બતાવવા લાગ્યા હતા. આ વિરોધ પ્રદર્શનથી નારાજ થઇને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પોતાની કારમાંથી નીચે ઉતરી ગયા અને વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાઓ પાસે પહોંચી ગયા. બાદમાં બન્ને સામસામે આવી ગયા. આરિફ ખાને માગણી કરી કે મારી સામે ધરણા કરનારાઓની ધરપકડ કરો અને ત્યાં સુધી હું અહીયાંથી નહીં હટું. કાળા વાવટા જોઇને રાજ્યપાલ એટલા ગુસ્સે ભરાઇ ગયા કે તેઓએ નીચે ઉતરીને વિદ્યાર્થીઓની સાથે ઝઘડવાનું શરૂ કરી દીધુ અને કહેવા લાગ્યા કે હટ હટ. હાલમાં જે વિસ્તારમાં રાજ્યપાલ અને વિદ્યાર્થીઓ સામસામે આવી ગયા છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
રાજ્યપાલ ધરણાની બાજુમાં એક દુકાનવાળા પાસેથી ખુરશી લઇને ત્યાં જ ધરણા પર બેસી ગયા, રાજ્યપાલે આરોપ લગાવ્યો કે પોલીસ એસએફઆઇના કાર્યર્ક્તાઓને સંરક્ષણ આપી રહી છે. મારી સામે પ્રદર્શન કરી રહ્યા છે છતા પોલીસ તેમની સામે કોઇ કાર્યવાહી નથી કરી રહી. એક વીડિયોમાં આરિફ મોહમ્મદ ખાન પોતાના સહયોગીઓને કહી રહ્યા છે કે મોહન અમિત શાહ સાહેબ વાત કરાવો, નહીં તો વડાપ્રધાન સાથે વાત કરાવો. એવા આરોપ છે કે અગાઉ પણ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વિદ્યાર્થી સંગઠનોએ રાજ્યપાલના કાફલાની કારને ટક્કર મારી હતી. દરમિયાન કેન્દ્ર સરકારે આરિફ મોહમ્મદ ખાનને આપવામાં આવેલી ઝેડ પ્લસની સુરક્ષાને લંબાવી દીધી છે. પંજાબ, તામિલનાડુ અને દિલ્હીની જેમ કેરળમાં પણ રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. આરિફ ખાને કહ્યું હતું કે એસએફઆઇના એક્ટિવિસ્ટ્સ ગુંડા છે, જે ડાબેરી પક્ષોના રોજમદારો છે. યુનિવસટી સાથે સંકળાયેલા કેટલાક બિલો વિધાનસભાને પાસ કર્યા છે પણ તેને રાજ્યપાલે મંજૂર નથી કર્યા આ ઉપરાંત અન્ય કેટલાક બિલો પણ ઘણા મહિનાથી પેન્ડિંગ હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે. એસએફઆઇનો આરોપ છે કે રાજ્યપાલ યુનિ.માં સંઘ અને ભાજપ સમર્થકોની એક તરફી ભરતી કરી રહ્યા છે.