દાહોદ,દાહોદ જિલ્લામાં બે સ્થળોએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત નીપજ્યાંનું જ્યારે એકને શરીરે ઈજાઓ પહોંચતાં સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના ખેડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.27મી જાન્યુઆરીના રોજ ખેડા ગામે ઉપલું ફળિયામાં રહેતાં વિનેશભાઈ બીજીયાભાઈ ગરાસીયાએ પોતાના કબજાનું ટ્રેક્ટર લઈ ખેડા ગામે ઉપલા ફળિયામાંથી પુરઝડપે અને ગફલત ભરી રીતે ટ્રેક્ટર હંકારી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ટ્રેક્ટરની વધુ પડતી ઝડપના કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું જેને પગલે વિનેશભાઈ ટ્રેક્ટરની નીચે દબાણ જતાં તેઓને હાથે, પગે, શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે બીજીયાભાઈ ગવલાભાઈ ગરાસીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજો બનાવ સંજેલી તાલુકાના પીછોડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.26મી જાન્યુઆરીના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઈડે મોટરસાઈકલ હંકારી લાવતાં તે સમયે સામે અન્ય એક મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા કલ્પેશભાઈ ગોરધનભાઈ નાયકાની મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાવતાં કલ્પેશભાઈ તથા તેમની મોટરસાઈકલ પાછળ બેઠેલ નગીનભાઈ અભેસિંગભાઈ નાયકા બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં કલ્પેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનં મોત નીપજ્યું હતું જ્યારે નગીનભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે ગોરધનભાઈ રતનસિંહ નાયકા દ્વારા સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.