ભારત માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલની નિકાસ શરૂ કરશે

નવીદિલ્હી, સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના ભારતના પ્રયાસમાં ટૂંક સમયમાં વધુ એક સિદ્ધિ ઉમેરવામાં આવનાર છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન આ વર્ષે માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની નિકાસ શરૂ કરશે. ડીઆરડીઓના વડા સમીર વી. કામતે પોતે આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે ડીઆરડીઓ આગામી ૧૦ દિવસમાં આ મિસાઇલોની ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ શરૂ કરશે. એટલું જ નહીં, ડીઆરડીઓ દ્વારા વિકસિત ૩૦૭ બંદૂકો અને જેનું નિર્માણ ખાનગી ક્ષેત્રની કંપનીઓ જેમ કે ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા કરવામાં આવી રહી છે તેના ઓર્ડર પણ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વિદેશથી આવી શકે છે.

ડીઆરડીઓ અધ્યક્ષે કહ્યું કે ફિલિપાઈન્સ સિવાય અન્ય દેશોએ પણ બ્રહ્મોસ મિસાઈલમાં રસ દાખવ્યો છે. તેમણે કહ્યું કે નિકાસ માટે તૈયાર એટીએજીએસના તમામ ટ્રાયલ પૂર્ણ થઈ ગયા છે. મારું અનુમાન છે કે તેના માટેનો ઓર્ડર ૩૧મી માર્ચ પહેલા આપવામાં આવશે.તેમણે કહ્યું કે ડીઆરડીઓ દ્વારા અત્યાર સુધી જે હથિયારો બનાવવામાં આવી રહ્યા છે તે ટૂંક સમયમાં સેનાના ત્રણેય ભાગોમાં સામેલ કરવામાં આવશે. કામતે કહ્યું કે એલસીએ એમકે-૧એ, અર્જુન એમકે ૧એ કયુઆરએસએએમ સિવાય અમારી કેટલીક વધુ મિસાઇલો ટૂંક સમયમાં સેનાનો ભાગ બનશે.