ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા પર ટ્રેક્ટર ચઢાવાયું, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બે પક્ષો વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. આજે સવારે જ માકડોન વિસ્તારમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિને તોડી નાખવામાં આવી હતી જેને લઈને મામલો બીચક્યો હતો. એક પક્ષ દ્વારા પહેલા આ પ્રતિમા પર ટ્રેક્ટર ચઢાવી દેવાયું હતું અને પછી પ્રતિમાને લોખંડના પાઈપ વડે તોડી પાડવામાં આવી હતી. જેના લીધે બંને પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો અને મારામારી થઇ હતી. આ દરમિયાન અનેક વાહનોની તોડફોડ કરાઈ હતી. 

માહિતી અનુસાર ગામમાં મંડી ગેટ તથા બસ સ્ટેન્ડ વચ્ચેની જમીન ખાલી પડી છે. જ્યાં એક પક્ષે ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બીજા પક્ષ એટલે કે પાટીદાર સમાજના લોકોએ સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવાની માગ કરી હતી. આ દરમિયાન કોઈએ બુધવારે રાતે એ જ જમીન પર સરદાર વલ્લભ પટેલની પ્રતિમા લગાવી દીધી. તેને લઈને સવારે ભીમરાવ આંબેડકરની પ્રતિમા લગાવવા માગતા લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ટ્રેક્ટર ફેરવી નાખ્યું હતું. જેના લીધે પાટીદાર સમાજના લોકો નારાજ થયા હતા અને મામલો બીચક્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી. વધારાના પોલીસ જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. જેથી મામલો વધારે બગડે નહીં. પોલીસે કહ્યું કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.