ગરબાડા,
ગરબાડા તાલુકાના ભે ગામના ગાળા ફળીયામા રહેતા જોખલાભાઇ કશનાભાઇ હઠીલાના પાણી વગરના 40 ફૂટ ઊંડા કુવામાં તારીખ ત્રણના રાત્રીના સમયે કોઇ અજાણી વ્યક્તિ ( સ્ત્રી ) એ તાજી જન્મેલી નવજાત બાળકીને મરી જાય તે આશયથી પોતાનું પાપ છુપાવવા માટે પાણી વગરના આશરે 40 ફુટ ઉંડા કુવામા મરવા માટે ત્યજી દીધી હતી. જોકે, વહેલી સવારે આ ઘટનાની જાણ થતા કુવાના માલિક દ્વારા આ ઘટના સંદર્ભે ગામના સરપંચને જાણ કર્યા બાદ ગરબાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સંદર્ભે તપાસ કરતા આ અવાવરૂ કુવામાં ત્યજી દેવાયેલ બાળકી જીવતી મળી આવતા તેને તાત્કાલિક અસરથી દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.
તેમજ ઘટના સંદર્ભે કુવાના માલિકની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસના ચક્રોગતિમાન કરતા કુવા માંથી મળી આવેલ બાળકી કુવાના માલિકની છોકરીની છોકરી હોવાનું બહાર આવ્યું છે અને તે છોકરી મધ્યપ્રદેશ ખાતે રહે છે અને હાલમાં થોડા સમય પહેલા જ અહીંયા તેના મામાના ત્યાં આવી હતી અને ત્યાં જ આ ઘટના બની હતી. હાલ પોલીસ દ્વારા આ છોકરી નું મેડિકલ કરાતા તેને ડીલેવરી આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ આ બાળકી તેની જ છે. તે બાબત હાલ ક્ધફર્મ થઈ નથી. જોકે, આ બાબતની હાલ તપાસ ચાલી રહી છે. બંનેના ડીએનએ ટેસ્ટ કર્યા બાદ સાચી હકીકત સામે આવશે તેમ છે. તો બીજી તરફ ત્યજી દીધેલ બાળકી મળી આવતા તેને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે એન.આઇ.સી.યુંમાં ડોકટરોની દેખરેખમાં મૂકવામાં આવી હતી. જ્યાં તારીખ પાંચમી ના બપોર બાદ તેનું કરૂણ મોત થયું હતું. જોકે, આ બાળકી જીવતી તો બાળકીને યોગ્ય કુટુંબમાં દતક આપવાની વાત પણ હતી. હાલ બાળકીનું પીએમ કર્યા બાદ તેની અંતિમવિધિ આરોગ્ય વિભાગ કરશે કે પોલીસ વિભાગ કરશે કે પછી તેની માતાને સોંપવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.
હાલમાં તારીખ પાંચમીના રોજ મળતી વિગતો અનુસાર જે છોકરીને ડીલેવરી આવી છે. તે છોકરી પગેથી અપંગ છે અને ચાલી પણ શક્તિ નથી. તેવામાં આવી વ્યક્તિ સાથે આ રીતની કરૂણ ઘટના બનતા અનેક પ્રશ્નો એ જન્મ લીધા છે. જો કે, આ બાબતની પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે અને ટૂંકા ગાળામાં સમગ્ર હકીકત સામે આવશે તેમ લાગી રહ્યું છે.