
માલદીવના રાષ્ટ્રપ્રમુખ મુઇજ્જુને હાથના કર્યાં હૈયે વાગ્યા જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે ચૂંટણી જીતવા માટે પ્રચાર દરમિયાન જે રીતે ભારતવિરોધી મુદ્દાઓને હથિયાર બનાવ્યા હતા હવે તે તેમના પર જ ભારે પડી રહ્યા છે અને તેમના દાંવ ઊંધા પડી ગયા છે. એવું એટલા માટે કેમ કે માલદીવના બે વિપક્ષો માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને ડેમોક્રેટ્સએ માલદીવ સરકારના ભારત વિરોધી વલણ પર ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને ઠપકો આપ્યો હતો.
એક અહેવાલ અનુસાર ગઈકાલે માલદીવના બે મહત્વપૂર્ણ વિપક્ષોએ ભારતને સૌથી જૂનો સાથી ગણાવ્યો હતો. બંને પક્ષોએ સંયુક્ત પ્રેસ રિલીઝ દ્વારા તેમના દેશના સર્વોચ્ચ નેતાના ભારતવિરોધી વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે વિપક્ષે દેશની વિદેશ નીતિમાં કરાયેલા ફેરફારને દેશના લાંબા ગાળાના વિકાસ માટે અત્યંત નુકસાનકારક ગણાવ્યા હતા.
માલદીવની વર્તમાન વિદેશ નીતિ પર નિશાન સાધતા વિપક્ષોએ કહ્યું કે એવું લાગે છે કે વર્તમાન સરકાર ભારતવિરોધી વલણ અપનાવી રહી છે. એમડીપી અને ડેમોક્રેટ્સ બંને માને છે કે કોઈપણ વિકાસના ભાગીદાર અને ખાસ કરીને દેશના સૌથી જૂના સાથી જોડે અંતર જાળવવું એ દેશના લાંબા ગાળાના વિકાસ માટે અત્યંત હાનિકારક સાબિત થશે.