ઓસ્ટ્રેલિયાના ફિલિપ ટાપુ પર ડૂબી જતાં ૪ ભારતીયોના મોત, અજાણ્યા બીચ પર દુર્ઘટના બની

કેનબેરા, ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં આવેલા ફિલિપ ટાપુ પર ડૂબી જતાં ૪ ભારતીયોના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે. કેનબેરામાં આવેલા ભારતીય હાઈ કમીશન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ દુર્ઘટના એક અજાણ્યાં બીચ પર બની હતી.

આ દુર્ઘટના વિશે જાણકારી આપતાં ભારતીય હાઈકમીશને ટ્વિટ કરી હતી. જેમાં જણાવ્યું કે એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં ૪ ભારતીય નાગરિકોએ વિક્ટોરિયાના ફિલિપ આઈલેન્ડ પર ડૂબી જતાં જીવ ગુમાવ્યાં. એક અજાણ્યાં બીચ પર આ ઘટના બની હતી. પીડિતોના પરિવાર પ્રત્યે અમારી સહાનુભૂતિ છે. તમામ પ્રકારની સહાય કરવા અમારી ટીમ પીડિતોના મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં છે.

ઉલ્લેખનીય છે કે ૨૪ જાન્યુઆરીએ લગભગ ૩:૩૦ વાગ્યે ઈમરજન્સી કૉલ આવ્યો હતો. જેમાં ચાર લોકોના પાણીમાં ડૂબવાની જાણકારી આપવામાં આવી હતી. જેના પછી રેસ્ક્યૂ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં બેભાન અવસ્થામાં ત્રણ મહિલાઓ અને એક પુરુષ મળી આવ્યો હતો. તેમને પાણીથી બહાર લવાયા હતા. તેમને સીપીઆર આપવા છતાં ઘટનાસ્થળે ૩ લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે અન્ય એકને હોસ્પિટલ લઈ જવાયો હતો જે સારવાર વચ્ચે મૃત્યુ પામી ગયો હતો. પીડિતોમાં એક પુરુષ અને બે મહિલાઓની વય ૨૦ અને અન્ય એક મહિલાની વય ૪૦ હોવાની જાણકારી મળી રહી છે.