દાહોદ જીલ્લા ના ગરબાડામાં 1500 જેટલાં બાળકો ગંદકીથી ખદબદતા માર્ગ પર કાદવ ખુપીને શાળાએ જવા મજબૂર

દાહોદ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને ગરબાડામાં ગ્રહણ લાગ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે. એક તરફ આખા દેશભરમાં સરકાર દ્વારા સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ દાહોદ જીલ્લાના ગરબાડાથી જાંબુઆ રોડ પર કોલેજ અને મોટી શાળાઓ આવેલી છે અને ત્યાંથી દરરોજના સેકડો વાહનો અવર-જવર કરે છે. ત્યારે આ માર્ગ મકાન વિભાગના રોડ પર મસમોટો ખાડો પડી જતા ગટરના ગંદા પાણી માર્ગ પર રહેલા હતા. આ માર્ગ ગંદગીથી ખદખદી રહ્યા છે. જેના પગલે આજુબાજુના રહેણાંકવિસ્તારના લોકો ગંદુ પાણી રોડ પર છોડતા આ ખાડો ગંદુ અને દુષિત પાણી ભરાઈ રહ્યું છે. સામાન્ય દુકાનદારો અને રહીશો આ દુર્ગંધ મારતાં પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે. એક બાજુ સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે. ત્યારે ગરબાડાની હાઈસ્કુલ, કોલેજના 1500 જેટલાં વિધાર્થીઓ આવા ગંદા પાણી માંથી પસાર થઈને શાળાએ, કોલેજ જાય છે. દુષિત ગંદાં પાણીના કારણે અસહ્ય દુર્ગંધ પણ આવે છે. જેના પગલે રોગચાળો ફાટી નીકળવાની આશંકા સેવાઈ રહી છે. નગરવાસીઓને પડી રહેલી હાલાકીને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ સમસ્યાનો હલ ક્યારે લાવશે ? અને દુષિત પાણી રોડ પર કાઢવા વાળા પર શું કાર્યવાહી કરશે એક મોટો સવાલ છે. ત્યારે હાલ તો આ ગંદકીના સામ્રાજ્ય વચ્ચેથી શાળા કોલેજના વિદ્યાર્થીઓ ભારે હાલાકી સાથે પસાર થવા મજબૂર બન્યા છે.