જાંબુઘોડા, જાંબુઘોડાની નારૂકોટ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ 6 સભ્યોએ અવિશ્ર્વાસનો પ્રસ્તાવ મુકયો હતો. જેમાં નારૂકોટ ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હેમલતાબેન મગનભાઈ બારીયાની અઘ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં સાત સભ્યો પૈકી 6 સભ્યો હાજર રહ્યા હતા. અને આ છ સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ નો પ્રસ્તાવ પસાર કર્યો હતો. નારૂકોટના સરપંચ વિરુદ્ધ 6 સભ્યોએ હાથ ઉંચો કરી મતદાન કરતા અવિશ્વાસ નો પ્રસ્તાવ પસાર થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા તાલુકાની નારૂકોટ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ધિરાભાઈ ચીમાભાઈ બારીયા નારૂકોટ ગ્રુપ ગ્રામ પંચાયતનો વહીવટ યોગ્ય અને નિયમોનુસાર ન કરતા હોય તેઓ વિરુદ્ધ પંચાયતના 6 સભ્યોએ અવિશ્વાસ નો પ્રસ્તાવ મુકયો હતો. જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી જાંબુઘોડા ટીડીઓને પ્રસ્તાવની નકલ આપી હતી. જેઓ દ્વારા કામગીરી આગળ ધપાવતા તાલુકા પંચાયત કાર્યાલય જાવક નંબર જા.નં.તા.પં./પચત/વશી થી નારૂકોટ ગ્રુપ પંચાયતના તલાટી કમ મંત્રીને આ અવિશ્વાસ ના પ્રસ્તાવ અંગે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યુ હતુ. જેમાં તલાટી ક.મં.એ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈ હેઠળ નારૂકોટ ગ્રુપ ગ્રામ પંચાયતના ડે.સરપંચના અઘ્યક્ષ સ્થાને સામાન્ય સભાનુ આયોજન કરી એજન્ડા બહાર પાડ્યો હતો. જે મળેલ સભામાં સરપંચ સહિતના આઠ સભ્યો પૈકી એક સભ્ય ગેરહાજર રહ્યો હતો. અને સરપંચ તથા તેઓની વિરુદ્ધ અવિશ્વાસ નો પ્રસ્તાવ રજુ કરનાર છ સભ્યો હાજર રહ્યા હતા જેમાં આ સભામાં અવિશ્વાસ ના પ્રસ્તાવ અંગે મતદાન થયુ હતુ જેમાં છ સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કરતા અવિશ્વાસ નો પ્રસ્તાવ પસાર થઈ જતાં ધિરાભાઈ ચિમનભાઈ બારીયા સરપંચ પદથી દુર કરાયા હતા.