ઇતિહાસમાં પહેલી વાર યુએસમાં પહેલી વાર નાઈટ્રોજન ગૅસથી મૃત્યુદંડની સજા કરાશે

અમેરિકામાં એક કેદીને નાઇટ્રોજન ગૅસ થકી મૃત્યુદંડની સજા કરાશે. અમેરિકીના ઇતિહાસમાં પહેલી વાર આ રીતે દેહાંતદંડની સજાનો અમલ થઈ રહ્યો છે. કેનેથ યુગિન સ્મિથ નામના આરોપીને 1996માં મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી. 2022માં તેને ઝેરવાળું ઈન્જેક્શન અપાયું હતું પરંતુ એ બચી ગયો હતો. સ્મિથને હત્યાકેસમાં આરોપી ઠેરવ્યો હતો. તેની સામે 1988માં એક વ્યક્તિ પાસેથી રૂપિયા લઈને તેની પત્નીની હત્યા કર્યાનો આરોપ લગાવાયો હતો. આ કેસમાં 2 વ્યક્તિને આરોપી ઠેરવાઈ હતી.

સ્મિથને 25 જાન્યુઆરીએ સજા અપાશે. તેના વકીલોએ કોર્ટમાં સજાને પડકારી છે. સ્મિથ પર અખતરો કરાઈ રહ્યો હોવાનું તેના વકીલોનું કહેવું છે. સાથે જ આ રીતે દેહાંતદંડની સજા કરવામાં માત્ર જોખમ જ નહીં પરંતુ એ બંધારણના ઉલ્લંઘન સમાન હોવાનું પણ કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રે પણ આ સામે વાંધો ઉઠાવવા સાથે અમાનવીય અને ક્રૂર ગણાવી સજા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.

બીજી તરફ સરકારનું કહેવું છે કે આ પદ્ધતિથી તરત બેભાન થઈ જશે પરંતુ તેનો વિરોધ કરનારા લોકોનો તર્ક છે કે આ પદ્ધતિનો પહેલાં ઉપયોગ કરાયો નથી, સાથે જ તેની ‘હ્યુમન એક્સપરિમેન્ટ’ સાથે સરખામણી કરી છે. સમાચાર એજન્સીના કહેવા પ્રમાણે સૌપ્રથમ સ્મિથને સ્ટ્રેચર પર સુવડાવી દેવાશે. ત્યાર પછી ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા વર્કરને ઑક્સિજનનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે માસ્ક અપાતું હોય છે તેવું જ માસ્ક આરોપીને પહેરાવાશે. ત્યાર પછી અંતિમ ઇચ્છા પૂછવામાં આવશે. સૌથી છેલ્લે લગભગ 15 મિનિટ સુધી નાઇટ્રોજન ગૅસ છોડાશે. માસ્ક થકી નાઇટ્રોજન સીધો તેના શરીરમાં પ્રવેશી જશે. માસ્કને કારણે તેને ઑક્સિજન નહીં મળે અને મૃત્યુ થશે.