અયોધ્યા રામ મંદિરમાં બીજા દિવસે ૫ લાખ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કર્યા

  • ભક્તોની ભીડ વધતા યોગીએ ભક્તોને સહકાર આપવા અપીલ કરી

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોનો ઘોડાપુર ઉમટ્યુ છે. જાહેર જનતા માટે બીજા દિવસે મંદિર ખુલ્લા મુકાયું. રામ લલાના દર્શન કરવા મંદિર પરિસર અને બહાર લોકોની ભારે ભીડ જોવા મળી. સવારના ૭ વાગ્યાથી લઈને રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૫ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. બીજા જ દિવસે ભક્તોના ભારે ઘસારો જોતા અરાજક્તાનો માહોલ સર્જાયો હતો. વહીવટી તંત્ર માટે પણ ભીડ નિયંત્રણ કરવુ એક પડકાર બની ગયો હતો. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાતે આ સ્થિતિની કમાન સંભાળતા પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ભક્તોને સંબોધિત કરી ધીરજ જાળવવા અપીલ કરી હતી.

પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે અયોધ્યા માં રામ મંદિરના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. રામ મંદિરની બહાર રાતથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. સીએમ યોગીને ભીડ કાબૂમાં લેવાની જવાબદારી સંભાળવી પડી હતી. હેલિકોપ્ટર દ્વારા રામ મંદિર પરીસરનું હવાઈ સર્વેક્ષણ કર્યા બાદ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા રામ મંદિર અને અયોધ્યા ધામમાં હાજર રામ ભક્તોને પણ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે રામલલાના દર્શન માટે અહીં આવેલા તમામ ભક્તોનું સ્વાગત છે. તમે બધા ધીરજ અને સંયમ જાળવો. કોઈએ ગભરાવું કે એકબીજા પર દબાણ કરવું જોઈએ નહીં. આ ભીડમાં યુવાનોએ વૃદ્ધો અને બાળકોને સાચવવા પણ કહ્યું. ખાસ કરીને લોકો પોલીસના આદેશ મુજબ લાઈનમાં ઊભા રહો અને તમારા વારાની રાહ જુઓ, વહીવટ અને પોલીસની વિનંતીઓ સ્વીકારો. પ્રશાસન દ્વારા તમામ ભક્તોની લાગણીને માન આપતા અંહી આવેલા શ્રદ્ધાળુઓ જરૂર દર્શનનો લાભ લઈ શકશે.

૨૩ જાન્યુઆરીના રોજથી જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવેલ રામ મંદિરમાં ૫ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. રામ મંદિરની અંદર અને બહાર સતત ભીડને સીએમ યોગી અને પ્રશાસન દ્વારા સમગ્ર દેશવાસીઓને અપીલ કરવામાં આવી. વહીવટીતંત્ર તરફથી વૃદ્ધો અને વિકલાંગોને બે અઠવાડિયા પછી રામ મંદિરની મુલાકાત લેવાનું આયોજન કરવાની અપીલ કરી છે.

અભિષેક બાદ પ્રથમ દિવસે એટલે કે સોમવારે ભારે ભીડને કારણે વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા ભીડને કાબૂમાં લેવામાં વધુ જહેમત કરવી પડી. અનિચ્છનીય બનાવ ટાળવા તંત્ર દ્વારા હાલમાં અન્ય જિલ્લામાંથી અયોધ્યા જતી બસોનું સંચાલન થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. બહારથી આવતા શ્રદ્ધાળુઓને ૨૬ જાન્યુઆરી સુધી અયોધ્યા ના આવવા અપીલ કરવામાં આવી છે.

રામલલાના દર્શન કરવા માટે હજારો ભક્તો રાત્રીથી મંદિરના મુખ્ય દ્વારની અંદર અને તેની આસપાસ ઉભા છે. સોમવારે પણ દરવાજા ખુલતા પહેલા હજારો ભક્તો રામ મંદિરની બહાર બિરલા ધર્મશાળાના આગળના દરવાજા પર પહોંચી ગયા હતા. અતિશય ભીડને કારણે સર્જાયેલી અસ્વસ્થતાને કારણે કેટલાક ભક્તો બીમાર પડ્યા હતા. કેટલાક લોકો લો બ્લડ પ્રેશર, બેભાન અને અન્ય ઘણી સમસ્યાઓથી પીડાતા હોસ્પિટલ પહોંચ્યા. કેટલાક ભક્તોને ઈજાના કારણે રિફર કરવા પણ પડ્યા હતા. બાળકોથી લઈને મહિલાઓથી લઈને વૃદ્ધો સુધી સૌએ અદ્દભુત ઉત્સાહ દર્શાવ્યો હતો. મંદિરના દરવાજા બંધ થયા પછી પણ રામપથ પર પગથિયાની વધતી સંખ્યા અટકી નથી.

મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ અને સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમાર પોતે વ્યવસ્થાની જવાબદારી સંભાળતા જોવા મળે છે. સુરક્ષા વ્યવસ્થા પર, આરએએફના ડેપ્યુટી કમાન્ડન્ટ અરુણ કુમાર તિવારીએ કહ્યું કે રામલલાના દર્શન કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ભીડ કલ્પના કરતા વધુ જોવા મળી રહી છે. જો કે તંત્ર દ્વારા ભીડને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો છે. આજે અને ગઈકાલે લોકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેને સુધારવાનો પ્રયાસ કર્યો છે. અમારા લગભગ ૧૦૦૦ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રામ મંદિરને લઈને અયોધ્યા ઉપરાંત મંદિર પરિસરમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવશે. પોલીસ અને તંત્ર દ્વારા લોકોને સંયમ જાળવતા પોલીસના આદેશોનું પાલન કરતા સહકાર આપવા અપીલ કરી છે.