મુંબઇ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીએ તેની વનડે ટીમ ઓફ ધ યર ૨૦૨૩ જાહેર કરી છે. આ ટીમના કેપ્ટન તરીકે આઇસીસીએ રોહિત શર્માની પસંદગી કરી છે. જયારે વનડે વિશ્વ કપ ૨૦૨૩ની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને આ ટીમમાં સામેલ પણ કરવામાં આવ્યો નથી, કારણ કે તેણે વર્ષ ૨૦૨૩માં વધુ વનડે મેચ રમી ન હતી અને તેનું પ્રદર્શન પણ વધુ સારું ન હતું. આ ટીમમાં રોહિતની સાથે અન્ય ૫ ખેલાડીઓ પણ સામેલ છે.
રોહિત શર્મા સહિત કુલ ૬ ભારતીય ખેલાડીઓને આઇસીસીએ તેની ‘વનડે ટીમ ઓફ ધ યર ૨૦૨૩’માં સામેલ કર્યા છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ૨-૨ ખેલાડીઓ આ ટીમમાં સામેલ છે. જયારે ન્યુઝીલેન્ડનો એક ખેલાડી આ ટીમનો ભાગ બન્યો છે. ભારતીય ટીમમાંથી રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્માને કેપ્ટન અને શુભમન ગિલ સાથે ઓપનર તરીકે પસંદ્દ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી નંબર-૪ પર રહેશે.
વનડે વિશ્વકપ ૨૦૨૩ની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયામાંથી બેટ્સમેન ટ્રેવિસ હેડ અને સ્પિનર એડમ ઝમ્પાને પસંદ કરવામાં આવ્યા છે. જયારે સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસેન અને માર્કો યાન્સેન આ ટીમનો ભાગ છે. ક્લાસેન આ ટીમનો વિકેટકીપર છે. જયારે ન્યુઝીલેન્ડનો એકમાત્ર બેટ્સમેન ડેરિલ મિચેલ આ વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગઈકાલે આઇસીસીએ તેની ટી ૨૦ ટીમ જાહેર કરી હતી તેમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. તે ટીમની કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવના હાથોમાં હતી.
રોહિત શર્મા (સુ) , શુભમન ગિલ, વિરાટ કોહલી, ટ્રેવિસ હેડ, ડેરિલ મિચેલ, હેનરિક ક્લાસેન, માર્કો યાન્સેન, એડમ ઝમ્પા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી