ઓટાવા, કેનેડા ભણવા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું વિચારી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક માઠા સમાચાર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ આગામી બે વર્ષ માટે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વીઝામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ ઘોષણા કરી છે.
કેનેડાની સરકાર દ્વારા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વીઝામાં ઘટાડો કરવાના નિર્ણયનો સીધો મતલબ છે વિદ્યાર્થીઓનો ઓછા વીઝા મળશે. નવા નિયમથી ચાલુ વર્ષે કેનેડામાં નવા સ્ટુડન્ટ વીઝામાં કુલ ૩૫ ટકાનો ઘટાડો થશે. ઓંટારિયો જેવા ખાસ પ્રાંતોમાં તેનાથી પણ વધુ ૫૦ ટકા સુધી સ્ટુડન્ટ વીઝા ઘટી શકે છે. મિલર ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર પ્રાઇવેટ પબ્લિક મોડલમાં રોજગારી આપતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ૧ સપ્ટેમ્બરથી અનુસ્નાતક વર્ક પરમિટ મેળવવા પર પ્રતિબંધ મૂકશે.
કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે, આગામી સપ્તાહોમાં મેડિકલ અને લો જેવા પ્રોફેશનલ સ્ટડી પ્રોગ્રામની સાથે સાથે માસ્ટર અને ડોક્ટરેટ પ્રોગ્રામમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓના જીવનસાથીઓ માટે ઓપન વર્ક પરમિટ ઉપલબ્ધ રહેશે.
કેનેડામાં હાલ ઘર-મકાનની તીવ્ર તંગી સર્જાઇ છે. ઘરની અછતના લીધે મકાન ભાડાં આસમાને પહોંચ્યા છે. ઘર- મકાનની ભયંકર અછતના લીધે જ કેનેડા સરકારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વીઝામાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. કેનેડિયન મંત્રીએ જણાવ્યું કે, અમારે ચઇમિગ્રેશનૃની સંખ્યા બાંધવામાં આવેલા મકાનોની સંખ્યાને અનુરૂપ લાવવી પડશે. ઇમિગ્રેશનની સંખ્યામાં વૃદ્ધિ અમે ઘર- મકાનની સંખ્યા જેટલી વધારીયે છીએ, જેનાથી કરતાં વધી જવી જોઈએ નહીં.
કેનેડાની નવી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વીઝા પોલિસીથી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા ભણવા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું રોળાશે. કેનેડાના નવા નિયમથી પંજાબ અને ગુજરાતના વિદ્યાર્થીઓ સૌથી વધુ નિરાશ થયા છે. હાલ તો કેનેડામાં ભારતના લગભગ સાડા ૩ લાખ વિદ્યાર્થીઓ છે. કેનેડામાં ભારત સહિત દુનિયાભરમાંથી આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે. કોરોના મહામારી બાદ કેનેડા એ વર્ષ ૨૦૨૩માં ૫.૮૦ લાખ સ્ટુડન્ટ વીઝા ઇશ્યૂ કર્યા હતા.
કેનેડાના મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૪ માટે સંઘીય સરકારનું લક્ષ્ય ૩.૬૦ લાખ ગ્રેજ્યુએટ સ્ટડી પરમિટને મંજૂરી આપવાનો છે, જે ૨૦૨૩ની તુલનાએ ૩૫ ટકાનો ઘટાડો દર્શાવે છે. કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને મોટો ફટકો લાગશે. કેનેડામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે, જેમને વર્ષ ૨૦૨૨માં ૪૧ ટકાથી વધુ પરમિટ મળી હતી.
પ્રત્યેક પ્રાંત નક્કી કરશે કે યુનિવર્સિટી ઓ અને કોલેજોમાં પરમિટ જેવી કેવી રીતે આપવામાં આવી રહી છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વીઝા પર આ મર્યાદા બે વર્ષ માટે લાગુ થશે. જેમાં વર્ષ ૨૦૨૫માં ઇશ્યૂ થનાર સ્ટુડન્ટ વીઝાની સંખ્યાનું પુન: મૂલ્યાંકન કરવામાં આવશે.