અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના શિકાગો શહેરમાં રવિવારથી ત્રણ અલગ-અલગ જગ્યાએ એક વ્યક્તિએ આઠ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસ હજુ પણ હત્યા પાછળનો હેતુ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. હત્યાનો આરોપી વ્યક્તિ હાલ ફરાર છે.
સોમવારે સાંજે મીડિયા સાથે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે હત્યા કરાયેલા લોકોના મૃતદેહ રવિવાર અને સોમવારે ત્રણ અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. આ વ્યક્તિ ખૂબ જ ખતરનાક છે અને તેની પાસે હથિયાર પણ છે.
પોલીસે કહ્યું કે, ‘માર્યા ગયેલા લોકોમાંથી એકનો મૃતદેહ રવિવારે વિલ કાઉન્ટીના એક ઘરમાંથી મળી આવ્યો હતો. સોમવારે જોલિયેટના બે ઘરોમાં અન્ય સાત મૃતદેહ મળી આવ્યા હતા.’
સોમવારે બપોરે એક ફેસબુક પોસ્ટમાં, જોલિએટ પોલીસે કહ્યું કે તેઓ મૃત મળી આવેલા લોકોની તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત તેણે શંકાસ્પદ આરોપીઓના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા અને આરોપીના વાહનની પણ ઓળખ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ રોમિયો નાન્સ છે. તેની ઉંમર માત્ર 23 વર્ષની છે. તેની પાસે લાલ રંગની કાર પણ હતી, જે તે ચલાવી રહ્યો હતો.